શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગોધરાઃ , ગુરુવાર, 9 મે 2024 (16:41 IST)

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો પર્દાફાશ, સુપ્રિટેન્ડેન્ટની કારમાંથી 7 લાખ રોકડા મળ્યા

neet exam
neet exam
પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વ્હોટ્સએપ ચેટથી રાઝ ખૂલ્યું
જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી
 
ગુજરાતમાં ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. તે ઉપરાંત પરીક્ષામાં ચોરી કૌભાંડો પણ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં NEETની પરીક્ષામાં 10 લાખ આપી ગેરરીતિનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા અધિક કલેક્ટરે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. 
 
સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા હતાં. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
 
ગોધરા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.