અબુધાબીમાં ભવ્ય મંદિર બની રહ્યું છે એ પૂજય પ્રમુખ સ્વામીજીના દિવ્ય પ્રભાવનો પુરાવો : મુખ્યમંત્રી

news of gujarat
Last Modified સોમવાર, 7 ઑક્ટોબર 2019 (11:44 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ પ્રવાસનનું સ્થળ બની રહ્યું છે અને 31મી ઓક્ટોબર સુધીમાં એના મુલાકાતીઓનો આંકડો 35 લાખને વટાવી જશે એનો આનંદ વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત પવિત્ર યાત્રાધામો અને પ્રવાસનના વિકાસમાં દેશમાં દીવાદાંડી બનશે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જે જન્મભૂમિ છે,એવા પાદરા તાલુકાના ગામના શ્રદ્ધા તીર્થ જેવા ચાણસદ ગામે બહુવિધ વિકાસ આયોજનોના અમલિકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રવાસન વિભાગે દશ કરોડ રૂપિયાના ખર્ચે આ ગામમાં પ્રવાસન સુવિધાઓના વિકાસનું આયોજન કર્યું છે. પવિત્ર ભૂમિ ચાણસદના નમૂનેદાર વિકાસનું આ પ્રથમ સોપાન છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે પવિત્ર યાત્રાધામ વિકાસ આયોજનમાં ચાણસદ અને વડતાલનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચાણસદ ને વિશ્વના નકશામાં મુકવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
જે ગામ અને પરિવારમાં પ્રમુખ સ્વામીજી જેવા મહાપુરુષો જન્મે એને જાણવા અને જોવા વિશ્વના લોકો ઉત્સુક હોય છે. સ્વામી વિવેકાનંદજીના વિશ્વ ધર્મ પરિસદમાં પ્રવચન પછી, પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વના અનેક દેશોમાં મંદિરોનું નિર્માણ કરી ધર્મધજા ફરકાવી એવી જ નામના અપાવી છે.મુસ્લિમ પ્રભાવવાળા અબુધાબી માં ભવ્ય મંદિરનું થઈ રહેલું નિર્માણ એમના દિવ્ય પ્રભાવનો પુરાવો આપે છે.

સમાજ જીવનમાં સંત પર અતૂટ વિશ્વાસ હોય છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત તપસ્વી સંતો-શુરાઓની ભૂમિ છે અને આ સંતોની દિવ્યતાએ ગુજરાતને સંસ્કારી, સલામત, આધ્યાત્મિક અને ચેતના સભર બનાવ્યું છે. સંતો સમાજને સુખી અને સંપન્ન બનાવે છે એવી લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે પૂજ્ય પ્રમુખ સ્વામીએ લોકોની સાથે રહીને, લોકોને સાથે લઈને વ્યક્તિ અને સમાજને બદલ્યો છે,વ્યસનમુક્ત અને સ્વસ્થ કર્યો છે.આવું કામ માત્ર પરમ સંત હોય એ જ કરી શકે.એમણે બાપ્સ સંસ્થાની વ્યક્તિ અને સમાજ નિર્માણ તેમજ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
રાજ્ય સરકારે જ્યાં માનવી ત્યાં વિકાસનું સૂત્ર અપનાવી સાર્વત્રિક વિકાસનું બહુ આયામી આયોજન કર્યું છે એની વિગતો આપવાની સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિવિધ ઉત્સવોની ઉજવણી દ્વારા સુખાંક-હપ્પીનેશ ઇન્ડેક્સ વધે છે,ગુજરાતની નવરાત્રી,પતંગોત્સવ,રણ ઉત્સવ વિશ્વમાં આગવી બ્રાન્ડ બની ગયા છે.ગિરનારમાં દેશનો સહુથી મોટો રોપવે ત્રણ મહિનામાં કાર્યરત થઈ જશે.તેમણે સુનિયોજિત પ્રવાસન વિકાસના આયોજનની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેન માટે જમીન આપવાની પહેલ કરનારા ચાણસદ ના ખેડૂતોને બિરદાવતા કહ્યું કે તમારી આ પહેલ અન્ય ગામોના ખેડૂતોને પ્રેરણા આપશે.તેમણે વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઇલાબહેન અને પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા તથા ચાણસદ માં જમીન સંપાદન ની સર્વ સંમત કામગીરી માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને ટીમ વડોદરાને બિરદાવી હતી.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે, વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનો જ્યાં જન્મ થયો હતો એ પ્રમુખ પ્રાગટય નિવાસની મુલાકાત લઈને ભાવપૂર્વક દર્શન કર્યા હતા.તેમણે પ્રાગટય ભૂમિ ચાણસદ ના રૂ.૧૦ કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ આયોજન ના અમલીકરણ રૂપે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને પવિત્ર મંત્રોચ્ચારો વચ્ચે ભૂમિપૂજન કરાવ્યું હતું. જેમાં તેમની સાથે બાપ્સ સંસ્થાના વરિષ્ઠ સંતો, રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા,નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ, રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, જોડાયાં હતા.બાપ્સ ના વરિષ્ઠ સંતો પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્યમંત્રીને પુષ્પહાર પહેરાવી આવકાર્યા હતા.


આ પણ વાંચો :