મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 6 ઑક્ટોબર 2019 (08:44 IST)

ફાફડા-જલેબીનું ય એડવાન્સ બુકીંગ!?, જોરદાર કે'વાય

ફિલ્મ અને રેલ્વે ટીકીટની જેમ હવે દશેરના તહેવારમાં ફાફડા અને જલેબી માટે પણ એડવાન્સ બુકીંગ થઈ રહ્યું છે. દશેરાના દિવસે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છુટવા માટે કેટલાક વેપારીઓએ એડવાન્સ બુકીંગ શરૃ કર્યું છે. તહેવારની ઉજવણીમાં સમય બચાવવા માટે નવો ટ્રેન્ડ શરૃ થયો છે તેના કારણે ગ્રાહકો સાથે વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે.
ગુજરાતીઓની સવાર ખમણ અને ફાફડાના નાસ્તાથી જ શરૃ થાય છે. રોજ ફાફડા ખાતા ગુજરાતીઓઓ દશેરાના દિવસે જાણ પહેલી વખત ફાફડા ખાતા હોય તેવી રીતે ફાફડા ખરીદવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હોય છે. સુરતીઓની ખાણી-પીણીની ઘેલછાના કારણે સુરતમાં દશેરાનો તહેવાર પણ ભારે ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદની જેમ સુરતમાં પણ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી શરૃ થયો છે. જેના કારણે આ દિવસે ફાફડા અને જલેબીનું વેચાણ કરનારા લોકોને તેજી રહે છે.

દશેરાના દિવસે ફાફડા જલેબી બનાવનારા ફરસાણની દુકાન કે લારીઓ પર લાંબી લાઈન જોવા મળે છે. જોકે, આ વર્ષે દશેરના પહેલા ફાફડા અને જલેબીનું અગાઉથી બુકીંગ કરાવી લેવું તેવા બોર્ડ અનેક દુકાનો પર જોવા મળી રહ્યાં છે.

ફરસાણની દુકાન ધરાવતાં નરેશભાઈ જોગરાગીયા કહે છે, દશેરાના દિવસે ઘરાકી ઘણી હોય છે તેથી ગ્રાહકોએ લાંબો સમય લાઈનમાં ઉભા રહેવું પડે છે. જો ગ્રાહકો અગાઉથી પોતાનો ઓર્ડર બુક કરાવી જતાં હોય તો તેઓને લાઈનમાં ઉભા રહેવું પડતું નથી. ફાફડા અને જલેબીનું એડવાન્સ બુકીંગ કરતાં ફરસાણની દુકાન ધરાવતાં પ્રહલાદ પટેલ કહે છે, એડવાન્સ બુકીંગ થતુ હોવાથી અમને પણ ઓર્ડર કેટલો છે તેની ખબર પડે છે. તેથી એડવાન્સ બુકીંગના ઓર્ડર પર પહેલાથી જ વધુ ધ્યાન આપી શકાય છે. બુકીંગ થવાથી માલ બગતો નથી અને ગ્રાહકોને લાઈનમાં ઉભા રહેવું પડતું નથી. આમ એડવાન્સ બુકીંગના કારણે ગ્રાહક અને વેપારી બન્નેને ફાયદો થાય છે.