બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (11:25 IST)

કમોસમી વરસાદથી ખેડુતોના પાકને થયેલા નુકશાનનું વળતર આપશે ગુજરાત સરકાર, 31 ડિસેમ્બર સુધી કરી શકશો અરજી

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયુ હતું. પાકને થયેલા નુકસાનને કારણે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાયની અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે.
 
રાજ્યમાં કમોસમી વરસેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે સરકારે મહત્વની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ રાજ્ય સરકાર રાજ્યના તમામ ખેડૂતોને 3,800 કરોડની સહાય આપવામાં આવશે. આ સહાયની અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે.
 
રાજ્યમાં તા. ૧૫-૧૦-૧૯ થી ૨૦-૧૧-૧૯ સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયુ હતું. તે અંગે રાજય સરકાર દ્વારા દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશે. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડૂતે તા. ૩૧-૧૨-૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે. 
 
આ અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક પાસ બૂકના પ્રથમ પાનાની IFSC Code સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું  “ના વાંધા”  અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાત નામું જોડવાનું રહેશે. 
 
વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી), પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.