બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ડિસેમ્બર 2019 (10:47 IST)

માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અમદાવાદમાં બનશે ૭ નવા ઓવરબ્રીજ

અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરમાં ૭ નવા ઓવરબ્રીજ – રિવરબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.
 
અમદાવાદ મહાનગરમાં જે ૭ ફલાય ઓવર માટે મુખ્યમંત્રીશ્રીએ નાણાં ફાળવ્યા છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન),  પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન), પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન), સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ (4 લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (2x2 લેન) તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (3x2 લેન)નો સમાવેશ થાય છે.
 
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. રાજ્યના ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૨૦ ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી. આ ર૦ ફલાય ઓવરબ્રીજ પૈકીના ૭ બ્રીજ બનાવવાના કામો માટે કુલ રૂ. ૩૩૫ કરોડ પૈકી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે રૂ. ૩૩.પ કરોડ ફાળવવામાં આવ્યા છે.