રાજ્યમાં ધો.1થી 12ની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય
રાજ્યના શિક્ષણ વિભાગની બુધવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું નક્કી થયું છે કે, રાજ્યમાં ધો.1થી 12ની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય,પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલે વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો શિક્ષકો પહોંચાડશે. જ્યારે કોલેજો માટે એવો પરિપત્ર કરવામાં આવ્યો છે કે, સેમેસ્ટર 3, 5 અને 7નું ઓનલાઇન શિક્ષણ 21મી જૂનથી આરંભાશે. કેબિનેટની મળેલી બેઠક પછી શિક્ષણ
વિભાગની મળેલી બેઠકમાં શાળાઓ ક્યારથી ચાલુ કરવી, પ્રવેશ સહિતની બાબતોને લઈને ચર્ચા થઇ હતી, જેમાં એવું નક્કી થયું હતું કે, પ્રાથમિકના આશરે બે લાખ અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિકના આશરે 1.25 લાખ મળીને કુલ સવા ત્રણ લાખ શિક્ષકો આશરે 1,46,84,055 વિદ્યાર્થીના ઘરે પુસ્તકો પહોંચાડશે. ઉપરાંત વિદ્યાર્થીઓને દૂરદર્શન જેવી ચેનલ મારફત ઓનલાઇન શિક્ષણ આપવાનો પણ આરંભ કરાશે.