શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (12:13 IST)

2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો જાળવી રાખવા ભાજપનો પ્લાન

જસદણ પેટાચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ગાંધીનગરમાં મળી રહેલી ભાજપની કોર ઈલેકશન કમીટીની પ્રદેશ સંગઠનની બેઠકમાં હવે આગામી લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જાળવી રાખવાના પડકારની ચર્ચા થશે. દેશના અન્ય રાજયોમાં જયાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે ત્યાં સાથી પક્ષો વધુ બેઠકો માંગી રહ્યા છે અને બિહાર, મહારાષ્ટ્ર, યુપીમાં પક્ષને તે મુજબ બેઠકો સાથીપક્ષોને ફાળવવી પડશે તેવા સંકેત છે તો બીજી બાજુ હાલની ધારાસભા ચૂંટણીમાં પક્ષે મધ્યપ્રદેશ, છતીસગઢ અને રાજસ્થાન ગુમાવ્યા છે તેથી ગુજરાતમાં એક પણ બેઠક ગુમાવવી ભાજપને પોષાય તેમ નથી. 
ભાજપે આ કેટેગરીના જે રાજય તૈયાર કર્યા છે તેમાં ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામનો સમાવેશ થાય છે. જયાં ભાજપ ખુદની બહુમતીથી સતામાં છે. ઉપરાંત વડાપ્રધાન મોદી 2014માં ગુજરાતમાં જ હતા અને દેશમાં પ્રચાર કરતા હતા. હવે તેઓ ગુજરાત બહાર છે અને તેથી અન્ય રાજયોની રાજકીય સ્થિતિ મુજબ તેઓ 2019 માટે પ્રચાર કરશે. જેથી ગુજરાતને ઓછો સમય ફાળવી શકે તેવી સ્થિતિ છે. આ જ પ્રમાણે અમીત શાહ પણ દેશની ચિંતા ઓછી કરી શકશે જેથી હવે 2019માં ગુજરાત ભાજપે ખુદની રીતે જ લડવાનું રહેશે અને તે સૌથી મોટો પડકાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ જસદણના વિજયના આધારે ભાજપ બેસી રહેશે તો તે મોટી ભુલ હશે. 
જસદણ ભાજપે જીત્યા કરતા કુંવરજીભાઈએ જીત્યુ હોવાનું તારણ વધુ છે. જો કે તેમના આગમનથી ભાજપને સૌરાષ્ટ્રમાં વિશાળ કોળી સમુદાયમાં મોટો ફાયદો થશે પણ કુંવરજીભાઈ ભાજપની સાથે ખુદનું રાજકારણ પણ રમશે જેનાથી ભાજપમાં આંતરિક ટકકર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કુંવરજીભાઈના વિજય અને વધેલા કદ બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના પાટીદાર નેતાઓ જે ભાજપની સાથે છે તેમાંની એક મોબાઈલ કોન્ફરન્સ પણ યોજાઈ હતી અને તેમાં કુંવરજીભાઈ ફેકટરની વિચારણા કરીને તેનાથી પાટીદારો જે રાજકારણમાં વર્ચસ્વ ધરાવે છે તેઓને થઈ શકતા ગેરલાભની ચર્ચા થઈ હતી. નામ નહી આપવાની શરતે આ અગ્રણીએ કહ્યું કે ગુજરાતના ભાજપના ઉદયમાં પાટીદારોનો જે ફાળો છે તેને નજરઅંદાજ કરવાની ચેષ્ટા સહન કરાશે નહી તો ભાજપના કોળી આગેવાનો જેઓને હાલ હાસિયામાં ધકેલી દેવાયા છે. તેઓ પણ શાંત બેસી રહેશે નહી, સૌરાષ્ટ્રમાં જ ભાજપના ત્રણ કોળી સાંસદો છે જે સૂચક છે. આમ આ તમામ પડકારો વચ્ચે 26 બેઠકો જાળવવાનો પડકાર મહત્વનો બની જશે.