શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2022 (18:22 IST)

મહિલા સેવા સંઘના સ્થાપક ઈલા ભટ્ટનું અવસાન, લાખોના જીવનમાં આશાની જ્યોત જગાવનારો જીવનદીપ બુઝાયો

Ela Bhatt
સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઈલા ભટ્ટનું અવસાન થયું છે. આ સાથે જ લાખો મહિલાઓને સ્વાશ્રયી બનાવી તેમના જીવનમાં આશા અને ઉન્નતીની જ્યોત જગાવનારો જીવનદીપ બુઝાઈ ગયો છે. સ્વ. ઈલા ભટ્ટના નાના અમદાવાદના જાણીતા સર્જન હતા અને સરકારી હોસ્પિટલમાં લોકોની સેવા કરતા હતા. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે નોકરી છોડી દીધી હતી. તેમના ત્રણેય મામા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા. સ્વ. ઈલા ભટ્ટના આખા પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો. આવતીકાલે સવારે વીએસ સ્મશાનગૃહ ખાતે સ્વ. ઈલા ભટ્ટના અંતિમસંસ્કાર થશે.
 
અંતિમ સમય સુધી શ્રમજીવી બહેનોની ચિંતા
ઇલા ભટ્ટના પુત્ર મિહિર ભટ્ટે જણાવ્યું હતું કે, તેમને અંતિમ સમય સુધી તેમની શ્રમજીવી બહેનો અને લોકોની ચિંતા હતી. બેરોજગારી અંગે પણ તેઓ છેલ્લી ઘડી સુધી ચિંતા કરી હતી. તેમને એક બે નહીં પરંતુ 20 લાખ બહેનો છે અને માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો અને વિદેશમાં પણ બહેનો છે.
 
મિહિર ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, તેમના આવતીકાલે સવારે વીએસ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઘણા સમયથી તેમની નાદુરસ્ત તબિયત હતી અને ત્યારબાદ તેઓને સ્ટ્રોક આવ્યો હતો. ધીરે-ધીરે તેઓ ચાલતા પણ થયા હતા. હિંચકે બેસી અને કોયલને ચીડવતા પણ હતા. પરંતુ છેવટે તેમને ઓપરેશન કરાવવું પડ્યું. ગેંગરીંગ થયું હતું અને તે ફેલાઈ ગયું હતું. ત્યારબાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શરીરના કેટલાક અંગો સાજા થયા હતા અને કેટલાક અંગોમાં રિકવરી આવી ન હતી. છેલ્લી ઘડી સુધી તેઓને બહેનોની અને ગરીબોની ચિંતા કરી હતી. આજે બપોરે 12.20 વાગ્યે અચાનક જ તેમનું અવસાન થયું હતું.
 
PM અને CMએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
સેવા સ્થાપક ઈલા ભટ્ટના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વીટ ઇલા ભટ્ટના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોકની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.