માંજલપુર પેટાચૂંટણી મતગણતરી: માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપની ધમાકેદાર લીડ, કોંગ્રેસે સ્વીકારી હાર
Manjalpur by-election
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી બાદ આજે (3 ઓગસ્ટ) સવારથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં 37.05 ટકા જેટલું પ્રમાણમાં ધીમું અને નીચું મતદાન નોંધાયું હતું, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના ઉમેદવારની જીત માટે આશાવાદી છે. મતોની ગણતરી ઝડપથી ચાલી રહી હોવાથી બપોર સુધીમાં જ હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
પ્રારંભિક પરિણામોની વાત કરીએ તો, મતગણતરીના પહેલા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતિષ પટેલે શરૂઆતી સરસાઈ મેળવી લીધી છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી કરતાં 1640 મતોથી આગળ ચાલી રહ્યા છે. ભાજપ આ બેઠક પર પોતાનો કબજો યથાવત રાખવા ઉત્સુક છે, જ્યારે કોંગ્રેસ પણ પરિણામ પોતાના પક્ષમાં લાવવા આશા સેવી રહી છે.
સમગ્ર મતગણતરી કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. આ માટે ગણતરી કેન્દ્ર ખાતે 14 ઈવીએમ (EVM) મશીન ટેબલ અને 1 પોસ્ટલ બેલેટ ટેબલ એમ કુલ 15 ટેબલોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 8 વાગ્યે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી, જે બાદ 260 મતદાન મથકોના ઈવીએમ મતોની ગણતરી તબક્કાવાર આગળ વધી રહી છે.
મતગણતરીની કામગીરી સુચારુ રીતે પાર પડે તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ વિશાળ સ્ટાફ તૈનાત કરાયો છે. જેમાં 42 ગણતરી સ્ટાફ, દરેક ટેબલ પર સુપરવિઝન માટે 42 માઇક્રો ઓબ્ઝર્વર્સ અને ચૂંટણી સંચાલનને લગતી અન્ય વ્યવસ્થાઓ માટે 200 જેટલા કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે.
ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા નીમેલા જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરના પ્રત્યક્ષ સુપરવિઝન હેઠળ કામગીરી થઈ રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મતગણતરી કેન્દ્ર ખાતે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 200થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત કરાયા છે.
01:57 PM, 3rd Aug
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. 17મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલ 27,448 મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી શરૂઆતથી જ પાછળ રહ્યા છે અને 17મા રાઉન્ડના અંતે તેમને 21,183 મત મળ્યા છે. જીત નિશ્ચિત જણાતાં ભાજપના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી દીધી છે, જેમાં મહિલા કાર્યકરો ગરબે ઘૂમીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ભાજપના ઉમેદવાર સતિષ પટેલે જણાવ્યું કે, "માંજલપુરની જનતાએ અગાઉ યોગેશ પટેલને જેવો પ્રેમ અને વિશ્વાસ આપ્યો હતો, એ જ વિશ્વાસ મારા પર પણ વ્યક્ત કર્યો છે." બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ હાર સ્વીકારતા આક્ષેપ કર્યો કે ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું, જેના કારણે પરિણામ પર અસર પડી.
ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટાચૂંટણી યોજાઈ હતી, જ્યારે આજે (3 ઓગસ્ટ) મતગણતરી ચાલી રહી છે. માત્ર 37.05 ટકા જેટલું મતદાન નોંધાતા પરિણામ અંગે શરૂઆતમાં બંને પક્ષો આશાવાદી હતા. કુલ 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ રહી છે અને બપોર સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
