યોગેશ પટેલના નિધન બાદ માંજલપુરમાં આજે મતદાન : સતીષ પટેલ અને ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર
Manjalpur by-election
વડોદરાની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે તા. 30 જુલાઈ 2026ના રોજ સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીના એક દિવસ અગાઉ ભવન્સ શાળા ખાતેથી ઈવીએમ અને વીવીપેટ (VVPAT) મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી ચૂંટણી ફરજ પર નિયુક્ત કર્મચારીઓ જરૂરી સામગ્રી સાથે પોતાના મતદાન મથકો તરફ રવાના થયા હતા.
2.19 લાખથી વધુ મતદારો માટે 260 મતદાન મથકોની વ્યવસ્થા
ચૂંટણી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ મશીનોની ફાળવણી પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ 2,19,494 નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મતદારોની વધુ સુવિધા માટે આ વખતે પ્રથમ વખત દરેક મતદાન મથકે 'મોબાઈલ ડિપોઝિશન સેન્ટર'ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરક્ષા અને પારદર્શિતા માટે 100 ટકા વેબકાસ્ટિંગ
મતદાન પ્રક્રિયા દરમિયાન નિષ્પક્ષતા, સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી તમામ 260 મતદાન મથકો પર 100 ટકા વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કુલ 520 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના મારફતે મતદાનની દરેક નાની-મોટી હિલચાલનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતે સ્થિત કંટ્રોલ રૂમમાંથી સતત કરવામાં આવી રહ્યું છે.
કાયદો-વ્યવસ્થા જાળવવા 1,400થી વધુ પોલીસકર્મીઓ તહેનાત
પોલિંગ સ્ટાફને 28 રૂટ મારફતે સુરક્ષિત રીતે મતદાન મથકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 286 પ્રિસાઇડિંગ ઓફિસર, 858 પોલિંગ ઓફિસર, 286 પ્યુન તેમજ 1,400થી વધુ પોલીસકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તહેનાત કરાઈ છે, જ્યારે સંવેદનશીલ મતદાન મથકો પર માઈક્રો ઓબ્ઝર્વર્સ પણ નીમવામાં આવ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર: 3 ઓગસ્ટે પરિણામ
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ સુધી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મતદારોને રિઝવવા માટે પૂરજોશમાં પ્રયાસો કર્યા હતા. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે, તો બીજી તરફ કોંગ્રેસ પરિવર્તનની આશા સાથે મેદાનમાં છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ તા. 3 ઓગસ્ટ 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે અને માંજલપુરના નવા ધારાસભ્યના નામ પર અંતિમ મહોર લાગશે.
માંજલપુર સીટનો ચૂંટણી ઇતિહાસ અને ભાજપનો દબદબો
વડોદરાની માંજલપુર વિધાનસભા સીટ 2008ના સીમાસંકન બાદ અસ્તિત્વમાં આવી હતી અને ત્યારથી તે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. 2012ની પ્રથમ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલને 67.33% મત મળ્યા હતા. 2017ની ચૂંટણીમાં વોટશેર 1.83% ઘટીને 65.50% થયો હતો, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જબરો ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં યોગેશ પટેલે 75.85% વોટશેર મેળવીને ભવ્ય જીત સાથે હેટ્રિક લગાવી હતી.
યોગેશ પટેલના નિધન બાદ યોજાઈ રહી છે પેટાચૂંટણી
માંજલપુરના તત્કાલિન ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે આ પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ તરફથી સતીષભાઇ પટેલ અને કોંગ્રેસ તરફથી ભીખાભાઇ રબારી ચૂંટણી લડી રહ્યા છે. આજે મતદાન બાદ બંને મુખ્ય ઉમેદવારોનું રાજકીય ભાવી EVMમાં સીલ થઈ જશે, જેના પર સમગ્ર વડોદરા શહેર અને રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.
