સંબંધિત સમાચાર
- આમ આદમી પાર્ટી છોડી ભાજપામાં જોડાયેલા રાજુ કરપડાનો 2502 મતોથી શાનદાર વિજય
- રાજકોટ સ્થાનિક ચૂંટણી પરિણામ: નયનાબા જાડેજા અને આરજે આભા દેસાઈની હાર, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર
- Gujarat Local Body Election Result Live - ગુજરાતનો મહાજંગ: કોણ બનશે જનતાનો સરતાજ? પક્ષવાર સ્થિતિ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી LIVE અપડેટ્સ : ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં બીજેપીને ક્લીન સ્વીપ, કોંગ્રેસ પોતાના ગઢમાં હારી, આપને ઝટકો
- ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર, જ્યાં એક પણ હિન્દુ મતદાર નથી, ત્યાં અપેક્ષા સોનીએ ધ્વજ ફરકાવ્યો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ભાજપની ઐતિહાસિક જીત, કોંગ્રેસના સૂપડા સાફ અને AAPનો ઉદય
Gujarat BJP
આજે 28 એપ્રિલ 2026 ના રોજ જાહેર થયેલા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવીને રાજ્યમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે યોજાયેલી આ જંગમાં મતદારોએ વિકાસના મુદ્દે ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, વિરોધ પક્ષો ભાજપના વિજય રથને રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે.
નગરપાલિકાઓમાં ભાજપનો કેસરીયો
રાજ્યની 84 નગરપાલિકાઓના પરિણામોમાં ભાજપે સપાટો બોલાવ્યો છે. ભાજપે કુલ 1676 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જેની સામે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર 367 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં તો ભાજપે તમામ 36 બેઠકો જીતીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની હોય તેવું આ પરિણામો પરથી સ્પષ્ટ દેખાય છે.
જિલ્લા પંચાયતોમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો
જિલ્લા સ્તરના રાજકારણમાં પણ ભાજપનું વર્ચસ્વ અકબંધ રહ્યું છે. 34 જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપે કુલ 701 બેઠકો કબજે કરીને એકચક્રી શાસન સ્થાપિત કર્યું છે. કોંગ્રેસ માટે આ આંચકો મોટો છે કારણ કે તેને સમગ્ર રાજ્યમાં માત્ર 103 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. સુરત સહિતની મહત્વની જિલ્લા પંચાયતો પર ભાજપે પોતાની જીત જાળવી રાખી છે.
તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોનો મિજાજ
260 તાલુકા પંચાયતોના પરિણામોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપની જ જીત થઈ છે. ભાજપે 2943 બેઠકો પર વિજય મેળવીને ગ્રામીણ પટ્ટામાં પોતાની હાજરી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસને 769 બેઠકો મળી છે. રાજકોટ, જસદણ, અને ટંકારા જેવી મહત્વની તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે. જોકે, અમુક તાલુકાઓમાં કોંગ્રેસે પોતાની સત્તા બચાવવામાં સફળતા મેળવી છે.
ગોધરા અને ભાવનગરમાં ભાજપનું નવું શાસન
પંચમહાલના ગોધરામાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર 44 માંથી 27 બેઠકો જીતીને ભાજપે અહીં પૂર્ણ સત્તા મેળવી છે, જ્યારે અહીં કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. તેવી જ રીતે ભાવનગર મનપામાં ૫૨માંથી 44 બેઠકો અને આણંદ મનપામાં 52 માંથી 43 બેઠકો સાથે ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે. ઊંઝા, વ્યારા અને રાજપીપળા જેવી પાલિકાઓમાં પણ ભાજપે સ્પષ્ટ શાસન સ્થાપ્યું છે.
કોંગ્રેસની મર્યાદિત જીત અને ક્યાં ફાવી?
ભાજપની સુનામી વચ્ચે કોંગ્રેસ માત્ર ગણતરીની જગ્યાએ જ પોતાની સત્તા સ્થાપી શકી છે. સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ રહી છે. આ ઉપરાંત મોરબીની વાંકાનેર તાલુકા પંચાયત અને તાપીની વ્યારા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે બહુમતી મેળવીને પોતાની આબરૂ બચાવી છે. જોકે, રાજ્ય કક્ષાએ કોંગ્રેસની આ જીત અત્યંત મર્યાદિત ગણાય છે.
આદિવાસી બેલ્ટમાં 'આપ' (AAP) નો પાવર
આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર આમ આદમી પાર્ટીએ (AAP) કર્યો છે. આદિવાસી બહુલ વિસ્તાર છોટાઉદેપુરમાં 26 માંથી 15 બેઠકો અને નેત્રંગમાં 16 માંથી 9 બેઠકો જીતીને AAPએ પોતાની સત્તા સ્થાપી છે. સૌરાષ્ટ્રના વિસાવદરમાં પણ 18 માંથી 11 બેઠકો જીતીને પાર્ટીએ સીધું શાસન મેળવ્યું છે. આ પરિણામો દર્શાવે છે કે હવે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે AAP મજબૂત રીતે ઉભરી રહી છે.
કેબિનેટ મંત્રીના ગઢમાં મોટો ઉલટફેર
પરિણામોમાં કેટલીક જગ્યાએ ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ પણ સર્જાઈ છે. આણંદના બોરસદમાં કેબિનેટ મંત્રી રમણ સોલંકીના વિસ્તારમાં જ ભાજપ બહુમતીથી દૂર રહ્યું છે. અહીં અપક્ષોએ 18 બેઠકો જીતીને મોટો ઉલટફેર કર્યો છે, જ્યારે ભાજપને 17 બેઠકો મળી છે. આ પરિણામ ભાજપ માટે એક મોટો રાજકીય સંદેશ માનવામાં આવે છે.
બહુચરાજીમાં વિચિત્ર સ્થિતિ: જીત ભાજપની, પ્રમુખ કોંગ્રેસનો
મહેસાણાની બહુચરાજી તાલુકા પંચાયતમાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાજપે 16 માંથી13 બેઠકો જીતીને જંગી બહુમતી તો મેળવી છે, પરંતુ અનામત બેઠક (SC) માટે ભાજપ પાસે કોઈ વિજેતા ઉમેદવાર ન હોવાથી, ત્યાં 3 બેઠકો જીતનાર કોંગ્રેસનો ઉમેદવાર પ્રમુખ બને તેવી શક્યતા છે. આ કિસ્સો રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે.
રસાકસીભરી ટાઈ અને દિગ્ગજોની હાર
ચૂંટણીમાં 3 તાલુકા પંચાયતોમાં ટાઈની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ, દાંતા અને સોનગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-વિરોધ પક્ષ વચ્ચે સરખી બેઠકો વહેંચાઈ છે. અમદાવાદના સરસપુર વોર્ડમાં ભાજપની પેનલ તૂટી છે, જ્યાં કોંગ્રેસના અર્ચના ચૌહાણ વિજેતા બન્યા છે. બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના ભાઈ ભરતસિંહની હાર એ કોંગ્રેસ માટે મોટો ફટકો છે.
