વડોદરાની રિફાઈનરીમાં જોરદાર બ્લાસ્ટ, અનેક કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગુબ્બાર
સોમવારે ગુજરાતના વડોદરામાં એક મોટો અકસ્માત થયો હતો. વડોદરાની કોલસા રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ IOCL રિફાઈનરીની સ્ટોરેજ ટેન્કમાં થયો હતો. આ વિસ્ફોટ બાદ રિફાઈનરીમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ચારેબાજુ ધુમાડાના વાદળો જોવા મળે છે.આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે...કેટલાક કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.
હાલ ફાયર કર્મીઓ સાથે એમ્બ્યુલન્સ પણ અંદર ગઈ છે. જ્યારે બે વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આસપાસના એક કિમી વિસ્તારમાં ઘરોમાં બારી બારણાના કાચ તૂટ્યા છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. IOCL કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ બે એમ્બ્યુલન્સ IOCL કંપનીમાં પહોચી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.