શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 નવેમ્બર 2018 (13:00 IST)

સુરત પોલીસમાં # ME TOO ? 25 મહિલા હોમગાર્ડોએ સિનિયર અધિકારીઓ પર આક્ષેપો કર્યા હોવાની ચર્ચાઓ

અત્યાર સુધી બોલિવૂડમાં મી ટુ મૂવમેન્ટે ચકચાર જગાવી છે અને કેન્દ્ર સરકારના એક મંત્રી એમ જે અકબર પણ આ મૂવમેન્ટમાં સપડાઈ ગયાં છે. ત્યારે ગુજરાતમાં પણ ધીરેઘીરે આ મુવમેન્ટ અસરદાર થઈ રહી છે. સુરતમાં પોલીસ વિભાગમાં 25 જેટલી મહિલા હોમગાર્ડ દ્વારા પોતાના સિનિયર અધિકારીઓ વિરૂદ્ધ જાતીય અને માનસિક સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રીપોર્ટ પ્રમાણે હવે સુરત હોમ ગાર્ડ કમાન્ડન્ટે શુક્રવારે આરોપો પર એક્શન લેવાનો ઓર્ડર આપી દીધો છે.

સુરત પોલીસ કમિશનરને શુક્રવારે એક પત્ર લખીને મહિલાઓ દ્વારા આરોપ લગાવાયા છે કે ઓફિસર ભાવના કંથરિયા અને ઓફિસર કમાન્ડીંગ સોમનાથસિંહ જી. ગ્રેહવાલ તેમને પોતાની ડ્યૂટી કરતા અટકાવતા અને શારીરિક તથા માનસિક રીતે યાતનાઓ આપતા હતા. પત્રમાં મહિલાએ પોતાના બંને સીનિયર્સ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેઓને પુરુષ અધિકારીઓ સાથે સમય પસાર કરવા માટે કહેવામાં આવતું અને ઈનકાર કરવા પર તેમને ધમકી આપવામાં આવતી.એપ્લિકેશનમાં લખ્યા મુજબ એક મહિલા હોમગાર્ડને પુરુષ ઓફિસરે કહ્યું કે, જો તું મને ખુશ નહીં રાખે તો હું તને પોસ્ટિંગ નહીં આપું અથવા એવી જગ્યા પર પોસ્ટ કરીશ જ્યાં તું સમય પર નહીં પહોંચી શકે. એપ્લિકેશનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પુરુષ અધિકારીઓ મહિલા હોમ ગાર્ડના યુનિફોર્મ ચેક કરવાના બહાને સ્પર્શ કરતા હતા. આ પહેલીવાર છે જ્યારે મહિલા હોમ ગાર્ડ્સ દ્વારા આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે.સુરત હોમ ગાર્ડ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયાએ કહ્યું, મેં આ મામલાની તપાસ ડેપ્યુટી કમાન્ડન્ટને સોંપી છે જે ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપશે. રિપોર્ટ સબિમીટ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ કહ્યું કે, સમગ્ર મામલાને લોકલ લેવલ કમ્પલેઈન કમિટીને સોંપવામાં આવ્યો છે જેની રચના કામના સ્થળે મહિલાઓના જાતીય શોષણના કાયદો 2013 અંતર્ગ થઈ છે, DCP વિધી ચૌધરી તેના હેડ છે. કમિટી દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે.