સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 નવેમ્બર 2020 (10:50 IST)

કેન્દ્રીય ટીમે અમદાવાદ, વડોદરા મહેસાણાની લીધી મુલાકાત, કહી આ વાત

ગુજરાતમા કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર, માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટે આવેલી કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ગાંધીનગરમાં વિસ્તૃત બેઠક યોજી હતી. 
 
નવી દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ. સિંઘના નેતૃત્વમાં આ ટીમમાં એડિશનલ ડાયરેક્ટર ડૉ. જૈન અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. કૌશિકનો સમાવેશ થાય છે.
 
મુખ્યમંત્રી વિજય રુપાણી સાથેની આ ટીમની બેઠક પૂર્વે ટીમના સભયોએ અમદાવાદ, વડોદરા અને મહેસાણાની મુલાકાત લઈને ત્યાં આપવામાં આવતી સારવાર, સર્વેલન્સ, સંક્રમણ નિયંત્રણના આરોગ્યલક્ષી ઉપાયોની સર્વગ્રાહી તલસ્પર્શી વિગતો મેળવી હતી. 
 
કેન્દ્રીય ટીમે ગુજરાતમાં ધન્વંતરી આરોગ્યરથનો જે પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે, તેનાથી સંતોષ દર્શાવી, અન્ય રાજ્યોમાં પણ આ ધન્વંતરી રથ મોડલ અપનાવી શકાય તેમ મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને ગુજરાતમાં હોમ આઇસોલેશન, એરિયા સ્પેસિફિક સર્વેલન્સ અને પદ્ધતિસરના મોનિટરિંગની પણ પ્રશંસા કરી હતી. હાઉસ ટુ હાઉસ સર્વેને ધન્વંતરી રથ સાથે લિંક કરીને, સમન્વય કરીને જે ઝડપી ટ્રેસિંગ અને સારવાર ફોલો અપ થાય છે, તેનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન-સંક્રમણ વ્યાપકપણ નિયંત્રણમાં રહ્યું છે, તેનાથી આ ટીમે સંપૂર્ણ સંતોષ દર્શાવ્યો હતો. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં કોવિડ માટે તેમણે ખાનગી હોસ્પિટલોના સહયોગ અને નિયમિતપણે બેઠકો યોજીને રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણ માટે હાથ ધરાયેલી તમામ બાબતોની વિગતવાર ચર્ચા ટીમ સાથે કરી હતી.
 
કેન્દ્રીય ટીમના વડા ડૉ. સિંઘે આશાવર્કર બહેનો, ફિમેલ હેલ્થ વર્કર્સ તેમજ લોકો-નાગરિકો સાથે સંવાદ-વાતચીત કરીને તેમણે જે પ્રતિભાવો મેળવ્યા તે પૂર્ણતઃ સંતોષજનક છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. 
 
ડૉ. સિંઘે રાજ્યની હોસ્પિટલોમાં આવતા કોવિડ પેશન્ટ્સની સ્થિતિનું સ્કેનિંગ કરીને પેશન્ટની તબક્કાવારની સ્થિતિનું મોનિટરિંગ થાય તે દિશાના પ્રયાસોને આવકાર્ય ગણાવ્યા હતા. 
 
જે રોગીઓ સંક્રમણમુક્ત થયા છે તેમને પોસ્ટ કોવિડ સ્થિતિમાં યોગ-પ્રાણાયમ અને આયુષ પદ્ધતિથી લાભ-ફાયદો થયાના ગુજરાતમાં જે નોંધપાત્ર ઉદાહરણો છે તેનો પણ અન્ય રાજ્યોમાં પ્રસાર કરી શકાય અને આ પ્રાચીન પદ્ધતિની આવશ્યકતા વ્યાપક બનાવાય તેમ તેમણે જણાવ્યું હતું.