રાજ્યના ચાર શહેરોમાં કરફ્યૂ, અત્યારે માસ્ક જ હાલ કોરોનાની દવા: વિજય રૂપાણી  
                                       
                  
				  				   
				   
                  				  કોરોના વાયરસસના વધતા કેસના લીધે ચિંતા વધી ગઇ છે. આ દરમિયાન કડક અમલવારી શરૂ થઇ ગઇ છે. રાજ્ય સરકારો પોતાના સ્તર પર દરેક સંભવ પગલાં ભરે રહી છે. રાજસ્થાનના 8 શહેરો બાદ ગુજરાતના 4 શહેરોમાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ નાગરિકોને સંબોધન કર્યું હતું. 
				  										
							
																							
									  
	 
	મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે અને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યુ છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહી તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે. 
				  
	 
	આવતીકાલથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે. મુખ્યમંત્રીએ સૌ નાગરિકો ખાસ કરીને યુવાઓને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર જવા-આવવાનું ટાળે.  
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે, તેઓ તો યુવા અવસ્થામાં સ્વસ્થ છે પરંતુ જો સંક્રમણ લઈને ઘરે જશે તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે. આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી છે. 
				  																		
											
									  
	 
	રાજ્યભરમાં સવારે ૬ થી રાત્રે ૯ વાગ્યા સુધી લોકો ફરજિયાત માસ્ક પહેરે જ તેવી ખાસ અપીલ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, માસ્ક ન પહેરનાર લોકો સામે રૂ. ૧૦૦૦/-નો દંડની કડક કાર્યવાહી પોલીસ કરશે તેવી સૂચનાઓ પણ આપી છે. મુખ્યમંત્રી એમ પણ કહ્યુ કે, ભુતકાળમાં આપણે સૌ સાથે મળીને દરેક સંક્રમણમાંથી સારી રીતે પાર ઉતર્યા છીએ. 
				  																	
									  
	 
	મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, નાગરિકોએ ગભરાવવાની કોઇ જરૂર નથી, રાજ્ય સરકારે હોસ્પિટલોમાં પૂરતા બેડ, ડૉક્ટરો તથા ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થાઓ સુનિશ્વિત કરેલી છે. 
				  																	
									  
	 
	તેમણે સૌ નાગરિકોને કહ્યું કે, કોરોનાનું સંક્રમણ રોકવું એ અતિ આવશ્યક છે એટલે સૌ કોઇ ફરજિયાત માસ્ક, દો ગજ કી દૂરી અને વારંવાર હાથ ધોવા- સેનેટાઇઝ કરવા જેવી આદતો કેળવે અને તેનું અવશ્ય પાલન કરે.