શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 નવેમ્બર 2020 (08:33 IST)

અમદાવાદ કેમિકલ ફેક્ટરીમાં આગ, મૃતકોનો આંકડો 12 પહોંચ્યો, વિજય રૂપાણીએ કરી સહાયની જાહેરાત

અમદાવાદમાં બુધવારે પિરાણા ડમ્પિંગ સાઇડની પાસે આવેલી એક ફેક્ટરીમાં આગ લાગી હતી અને ત્યારબાદ બ્લાસ્ટના લીધે નજીકમાં આવેલા ટેક્સ્ટાઇલ ગોડાઉનની છત પર પડી ગઇ હતી. જેના કારણે આગ ગોડાઉનમાં ફેલાઇ ગઇ હતી, ત્યારે ત્યાં 24 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તેમાંથી 12 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. ગોડાઉનમાં કામ કરી રહેલા કર્મચારીઓ કાટમાળ નીચે દબાઇ જતાં આગના જ્વાળાના લીધે દાઝી ગયા હતા. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 35-40 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવામાં આવ્યો હતો. 
અકસ્માત નાનુભાઇ એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયો. ત્યાં બોયલર ફાટતાં આગ લાગી હતી અને ત્યારબાદ એક પછી એક 5 બ્લાસ્ટ થયાહ હતા. કેમિકલ ફેક્ટરી પાસે આવેલું કપડાનું ગોડાઉન પણ બ્લાસ્ટની ચપેટમાં આવી ગયું હતું. 
 
પીએમ મોદી, દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના પર દુખ વ્યક્ત કરતાં મદદના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યકિતઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ આગ દુર્ઘટનાની તપાસ કરી તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે.   
વિજય રૂપાણીએ આ આગ દુર્ઘટનાની તપાસ માટે શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમારની નિમણૂંક કરી છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રાજ્ય સરકારની રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. તેમણે મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ ઇજાગ્રસ્તો વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે.