ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ, સુરેન્દ્રનગરમાં લોકોએ ટ્રેન રોકતા પોલીસ દોડી
SC-ST અનામતમાં ક્રિમીલિયર લાગુ કરવાનો નિર્ણય થયા બાદ સરકાર કાયદો લાવે તે પહેલાં જ વિરોધ શરૂ થયો છે. સરકાર દ્વારા કાયદાના નિયમો અમલી બને નહીં તે માટે દલિત-આદિવાસી સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અસર જોવા મળી છે. જેમાં વિપક્ષ દ્વારા પણ બંધનું પાલન કરાવવા મથામણ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ અને પાટણમાં રસ્તા રોકી દેવાયા હતાં તો શામળાજીમાં બસો અટકાવી દેવાઈ હતી. સુરેન્દ્રનગરમાં લોકોએ ભાવનગર જતી ટ્રેન રોકતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આદિવાસી વિસ્તારોમાં બંધની આંશિક અસર દેખાઈ
રાજ્યમાં આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં બજારો ખુલ્લી હતી અને કેટલીક બજારોમાં ગણી ગાંઠી દુકાનો બંધ જોવા મળી હતી. સાબરકાંઠામાં કેટલાક વિસ્તારોમાં બંધમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા હતાં.જ્યારે SC-ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બાજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી રહી છે.ભીમ સેના દ્વારા ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વલસાડ શહેર, પારડી, વાપી અને ઉમરગામ શહેરમાં મોટાભાગની તમામ દુકાનો ખુલ્લી રહી હતી.
સુરેન્દ્રનગરમાં લોકોએ ટ્રેન રોકતાં પોલીસ દોડતી થઈ
ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો વિરોધ કર્યો હતો. વડોદરામા પણ દેખાવો, સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પૂર્વના અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે અનામત મુદ્દે વિરોધ કરવા મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ભેગા થયા છે. દલિત સમાજે રસ્તા પર બેસી જઈ રસ્તો રોકતા પોલીસ દોડતી થઈ છે અને પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો છે. તે ઉપરાંત સુરેન્દ્રનગરમાં લોકોએ ભાવનગર જતી ટ્રેન અટકાવી હતી. ગણપતિ સ્ટેશન પાસે ટ્રેન રોકી વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રેન રોકતા ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચ્યો હતો.