- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચથી વધુ વરસાદ :રાજ્યના ૬ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ
- રાજ્યના ૨૦૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
- ગુજરાતમાં હાલ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. રાજ્યભરમાં વરસી રહેલા શ્રીકાર
વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૩૨ મિ.મી.થી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચથી વધુ એટલે કે ૨૩૪ મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ, ૧ તાલુકામાં ૭ ઇંચથી વધુ, ૩ તાલુકામાં ૬ ઇંચથી વધુ, ૧૧ તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના કુલ ૨૦૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨ જુલાઇ, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન નવસારીના ખેરગામ તાલુકામાં ૨૧૫ મિ.મી., વલસાડના કપરાડામાં ૨૦૭ મિ.મી., પારડીમાં ૧૮૦ મિ.મી. અને વાપીમાં ૧૬૭ મિ.મી., જૂનાગઢના વિસાવદરમાં ૧૬૫ મિ.મી. અને ભેંસાણમાં ૧૫૨ મિ.મી. મળી કુલ ૬ તાલુકાઓમાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વલસાડ તાલુકામાં ૧૪૯ મિ.મી., અમરેલીના ધારીમાં ૧૩૦ મિ.મી., છોટા ઉદેપુર તાલુકામાં ૧૨૭ મિ.મી., ભરૂચ તાલુકામાં ૧૨૬ મિ.મી., અંકલેશ્વર તાલુકામાં ૧૨૫ મિ.મી., ચીખલી તાલુકામાં ૧૨૩ મિ.મી., ધંધુકા તાલુકામાં ૧૧૧ મિ.મી., વાંસદા અને ચુડા તાલુકામાં ૧૧૦ મિ.મી., અમદાવાદ શહેરમાં ૧૦૭ મિ.મી. અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ૧૦૨ મિ.મી. એમ કુલ ૧૧ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે પોસીના, જલાલપોર, લુણાવાડા, વઘઇ, લીંબડી, ગણદેવી, મહુવા, નવસારી, ભાવનગર, ઉમરગામ, તાલાલા, બરવાળા, વાલિયા, ઉમરાળા, ડાંગ-આહવા, કપડવંજ અને આણંદ સહિતના તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના આશરે ૭૨ જેટલા તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ મળીને કુલ ૨૦૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૧.૪૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૫.૨૭ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯.૨૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૫.૪૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૩૦ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
નીતિન રથવી