બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 23 જૂન 2024 (16:24 IST)

ગુજરાતમાં ચોમાસું સક્રિય, ક્યાં પડશે ધોધમાર વરસાદ અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

ગુજરાતમાં ખેડૂતો ચોમાસાના વરસાદની રાહ જોઈને બેઠા છે એવામાં અનેક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.
 
છેલ્લા ઘણા દિવસોથી નબળું પડી ગયેલું ચોમાસું હવે ફરી મજબૂત બન્યું છે અને હવે આ ચોમાસું સક્રિય બનીને આગળ વધી રહ્યું છે.
 
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ કે ચાર દિવસમાં ચોમાસું ગુજરાતના વધારે વિસ્તારોને આવરી લે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે.
 
ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં વરસાદની આાગહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે.
 
ગુજરાતમાં 10 જૂનના રોજ એન્ટ્રી બાદ ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું અને માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માત્ર પવન ફૂંકાઈ રહ્યો હતો અને ઉનાળા જેવી ગરમી પડી રહી હતી.
 
 
ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?
ચોમાસું સક્રિય બનતાં જ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
 
23 જૂનના રોજ નવસારી, વલસાડ, ડાંગ અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી ખૂબ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આ સાથે જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજથી વરસાદનું જોર વધશે અને વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
 
24 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
 
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.
 
અઢીથી ચાર ઇંચ જેટલો વરસાદ થાય તો તેને ભારે વરસાદ કહેવામાં આવે છે, જ્યારે ચાર ઇંચથી આઠ ઇંચ જેટલા વરસાદને ખૂબ ભારે વરસાદ ગણવામાં આવે છે.