સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 ઑક્ટોબર 2018 (10:50 IST)

ગુજરાતના ટંકારા ગામમાં ભગવાન સાથે સરદાર પટેલની પણ થાય છે પૂજા

મોરબી જીલ્લામાં આવતા ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા રામજી મંદિરની દીવાલ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનો ફોટો છેલ્લા ૯૦ વર્ષથી બનાવવામાં આવ્યો છે અને ભગવાનની સાથોસાથ તેની પણ મંદિરના પુજારી અને ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવી રહી છે.
વર્તમાન સમયમાં દેશની આઝાદી માટે રાત દિવસ જોયા વગર કામ કરી ગયેલા મહાનુભાવોનો માત્રને માત્ર ખુરશી સુધી પહોચવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે અથવા તો નામ લેવામાં આવતું હોય છે તે હકિકત છે. જો કે, ન માત્ર દેશ પરંતુ દુનિયાની સૌથી ઉચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું આજે અનાવરણ થવાનું છે. ત્યારે મોરબી જીલ્લામાં આવતા ટંકારા તાલુકાના લખધીરગઢ ગામેને પણ યાદ કરવું પડે તેમ છે. કેમ કે, હાલમાં રાજકીય જશ ખાટવા માટે જ દેશમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલનું નામ લેવામાં આવે છે. 
તેવા સમયે આ લખધીરગઢ ગામમાં છેલ્લા ૯૦ વર્ષથી ભગવાનની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલને પણ પૂજે છે. અત્રે ઉલેખનીય છે કે, આ ગામમાં આવેલા રામજી મંદિરમાં ગામના વડીલો દ્વારા મંદિરમાં ભગવાન રામની સાથોસાથ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલના દીવાલો ઉપર ચિત્રો બનાવવામાં આવ્યા છે અને શિવાજી, મહારાણા પ્રતાપ, જવાહરલાલ નેહરૂ, મોરબીના રાજા લખધીરસિંહ જાડેજા સહિતના મહાનુભાવોના ફોટો મુકીને તેની પૂજા કરવામાં આવી રહી છે. 
જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે, આજની નવી પેઢી તેમાંથી પ્રેરણા મેળવે અને તેના જેવું જીવન જીવવા માટેનો સંકલ્પ કરે, રામજી મંદિરમાં સવાર સાંજ ભગવાનની સાથો-સાથ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પૂજા કરવામાં આવે છે. જેથી દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા મહાપુરૂષોને આ ગામની યુવા પેઢી ક્યારેય પણ ભૂલશે નહિ તે નક્કી છે. આ ગામની બીજી વિશેષતાએ પણ છે કે, સમયની સાથે તાલ મિલાવીને દરેક ઘરમાં ગાડી આવી ગયેલા છે જો કે, આજની તારીખે દરેક ઘરમાં ગાય રાખવામાં આવે છે અને ગામમાં ગમે ત્યારે તમે જશો તો તમને રસ્તે રઝળતી ગાય કયારે પણ જોવા મળશે નહિ.