મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2023 (17:14 IST)

મોરબી પુલ દુર્ઘટના : મૃતકોના પરિવારને 10 લાખ રૂ.નું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

મોરબી પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પિટિશનની સુનાવણી કરતી વેળા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર, જ્યારે ઇજાગ્રસ્તના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ આપ્યો છે.
 
પુલ દુર્ઘટનાના કુલ 135 પીડિત પરિવારોમાંથી 127 પરિવારોનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરતા વકીલ ઉત્કર્ષ દવે અનુસાર વળતર 7 દિવસમાં ચૂકવી દેવા કંપનીને આદેશ અપાયો છે.
 
આ માટે પુલ ઑપરેટ કરનારી ઓરેવા કંપનીને 15 કરોડ રૂપિયા જમા કરાવી દેવા પડશે અને ગુજરાત લીગલ સોસાયટી મારફતે વળતરના નાણા આપવામાં આવશે.
 
મોરબી દુર્ઘટના શું હતી?
 
ગત વર્ષે 30 ઑક્ટબરની રાત્રે મોરબીના મચ્છુ નદી પરનો પુલ તૂટી ગયો હતો. ઑક્ટોબર 30નો દિવસ સ્કૂલોમાં દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ અને રવિવાર હતો, જેને કારણે માંડ છ-સાત દિવસ પહેલાં ખુલ્લા મુકાયેલા એ પુલ પર જવા માટે સેંકડો માણસો તેમના પરિવારજનો અને સંતાનો સાથે પહોંચ્યાં હતાં.
 
પુલ અચાનક તૂટી ગયો હતો અને એમાં સરકારી આંકડા પ્રમાણે 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
 
લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યો અને તૂટી પડ્યો હતો.
 
સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.
 
આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.
 
દુર્ઘટના બાદ સરકારે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થાય છે