બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 નવેમ્બર 2022 (08:47 IST)

Morbi Cable Bridge Collapse: PM Modiએ મોરબી બ્રિજ દુર્ઘટના અંગે બેઠકની સમીક્ષા કરી, તમામ અકસ્માત સંબંધિત

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને  અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. રવિવારે સાંજે મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટી જવાની દુર્ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના કાર્યક્રમને ટૂંકાવી ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક અસરથી મોરબી પહોંચ્યા હતા. 
 
મુખ્યમંત્રીએ મોરબી પહોંચતાની સાથે જ સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ, એન.ડી.આર.એફ., એસ. ડી. આર. એફ., જિલ્લા કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તાકીદની બેઠક ગોઠવી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો અને તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી વેગવંતી બનાવવા અંગેના નિર્દેશો-સૂચનો જારી કર્યા હતા. 
 
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જિલ્લાઓમાંથી રાહત કામગીરી માટે આધુનિક સંસાધનોથી સજ્જ અનેક ટીમો મોરબી ખાતે આવી પહોંચી. તાત્કાલિક ધોરણે આ ટીમોએ દુર્ઘટનાસ્થળે પહોંચી અસરગ્રસ્ત લોકોને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખાતે પહોંચતા કરવાની ત્વરિત કામગીરી પૂર્ણ કરી હતી. 
 
પુલ તુટી પડયાના બીજા દિવસે પણ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, આર્મી, પોલીસ, તરવૈયાની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત રહ્યા હતા અને અત્યાર સુધી ૧૩૩ મૃતદેહો  નીકાળવામાં આવ્યા છે જ્યારે મિસિંગ એક માત્ર વ્યક્તિ માટે હજી પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. ૦૬ ઇજાગ્રસ્તોને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે અને ૦૫ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ૦૨ લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.
 
આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
 
વિપદાની આ પળે મુખ્યમંત્રીએ મંત્રીમંડળના સાથી મંત્રીશ્રીઓ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા તથા મોહનભાઈ કુંડારીયા, મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, પુલ દુર્ઘટના અંગે રચાયેલી હાઇપાવર કમિટીના વડા રાજકુમાર બેનિવાલ, ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તા, રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ, રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યા સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ પર હાજર રહી માર્ગદર્શન પૂરું પાડતા રાહત કામગીરી કરાવી ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર અને મચ્છુના પાણીમાં ખોવાયેલા મૃતદેહો બહાર નિકાળવા સર્ચ-રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું હતું. 
 
સતત ૨ દિવસ સુધી ઘટનાસ્થળે જઈ અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતો કરી તેમ જ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરીની સતત સમીક્ષા કરતા પ્રત્યક્ષ મોનિટરિંગ કર્યું હતું. અસરગ્રસ્ત લોકોને અગવડતા ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશ અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ૧૦૦ બેડના અલાયદા વોર્ડની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઇ સારવાર અને તબિયત અંગે પૃચ્છા કરી હતી અને મૃતકોના સ્વજનોને મળી સંવેદના દર્શાવતા સાંત્વના પણ પાઠવી હતી.
 
મુશ્કેલીની આ ઘડીમાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગીઓ ઓના પરિવારજનોને મદદરૂપ થવા તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીએ આર્થિક સહાય પણ જાહેર કરી છે. જે હેઠળ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને ૪ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જેના પગલે મૃતકોના પરિજનોને આ સહાય ચૂકવવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.