સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , સોમવાર, 1 જુલાઈ 2024 (15:06 IST)

ગુજરાતમાં 19 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને ડોક્ટર બનવા માટે 573 કરોડની આર્થિક સહાય મળી

ભારતમાં દર વર્ષે 1 જૂલાઈના રોજ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નેશનલ ડોક્ટર્સ ડેનું થીમ છે, ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કોપ્સ: હીલર્સ ઓફ હોપ’.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે ગુજરાત સરકાર દ્વારા 'મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના' અમલી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત આજ સુધીમાં રાજ્યની 19,776  વિદ્યાર્થિનીઓને 573.50 કરોડની નાણાકીય સહાયનો લાભ આપવામાં આવ્યો છે. 
 
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ (MKKN) યોજના
આ યોજના હેઠળ ₹6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.વર્ષ 2017માં મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ યોજના થકી રાજ્ય સરકાર દ્વારા કુલ 19,776 વિદ્યાર્થિનીઓને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે આર્થિક ₹573.50 કરોડની સહાય આપવામાં આવી છે. વર્ષ 2023-24 માટે આ યોજના હેઠળ 4000 વિદ્યાર્થિનીઓને ₹140 કરોડની સહાય આપવાનો લક્ષ્યાંક હતો, જેની સામે 4982 વિદ્યાર્થિનીઓને ₹171.55 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. 
 
22 વર્ષોમાં મેડિકલ કોલેજો અને મેડિકલ સીટ્સની સંખ્યામાં વધારો 
ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ મેળવવા માટે રાજ્ય બહાર ન જવું પડે અને ઘરઆંગણે જ તેમને મેડિકલનું ઉત્તમ શિક્ષણ મળી રહે, તે માટે રાજ્ય સરકારે સતત મેડિકલ કોલેજો અને મેડિકલ સીટ્સની સંખ્યામાં વધારો કર્યો છે. વર્ષ 2001-02 માં જ્યારે રાજ્યમાં 10 જ મેડિકલ કોલેજો હતી, તેની સામે વર્ષ 2023-24માં 40 મેડિકલ કોલેજો છે. આ સાથે જ, મેડિકલ સીટ્સની સંખ્યા વર્ષ 2001-02માં 1275થી વધીને વર્ષ 2023-24માં 7050 સુધી પહોંચી ગઈ છે. 
 
રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ
વડાપ્રધાન મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્ષ 2022માં ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. પ્રત્યેક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 100 સીટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ જિલ્લાઓમાં નવસારી, નર્મદા અને પંચમહાલ એ રાજ્યના આદિજાતિ જિલ્લાઓ છે. હવે આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને પણ તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે સંપૂર્ણ તકો મળશે.