બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (12:02 IST)

240 કરોડનું કૌભાંડ છાવરવા મારૂ એન્કાઉન્ટર થઈ શકે - નલિન કોટડિયા

બાર કરોડના બીટ કોઇન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય કોટડીયા  ભુગર્ભમાં છે અને મોબાઇલ બંધ છે. છતાં તેઓ ધારીમાં હોવાનો દાવો કરતા રહે છે. આજે પણ તેમનો મોબાઇલ બંધ હતો પરંતુ એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી તેમણે જણાવ્યુ હતું કે બીટ કોઇન કૌભાંડમાં મને સંડોવી એક મોટુ માથુ મારી હત્યા કે એન્કાઉન્ટર કરાવી શકે છે. કારણ કે ખરેખર તો 240 કરોડના કૌભાંડમાં મોટા માથા ભાગીદાર છે. જેમનો મોબાઇલ ફોન આજે પણ બંધ હતો તે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના નામે મીડીયા સમક્ષ આજે અખબારી યાદી રજુ કરાઇ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે પોલીસ 12 કરોડના કૌભાંડમાં રસ દાખવે તે જરૂરી છે પરંતુ 240 કરોડના કૌભાંડમાં કેમ કોઇ તપાસ થતી નથી ?

શૈલેષ ભટ્ટે અગાઉ ધવલ ભટ્ટ પાસેથી 240 કરોડના 2300 બીટ કોઇન પડાવી લીધા હતાં જેમાં મોટા માથાઓ ભાગીદાર છે ગૃહમંત્રીને તા. 24/2 ના રોજ ફેક્સ કરીને અને મોબાઇલ પર તમામ માહિતી આપી હતી અને ત્યારબાદ સીઆઇડીમાં મારા ભત્રિજા કીરીટે 28 વખત માહિતી આપી હતી છતાં શૈલેષ ભટ્ટ વિરૂધ્ધ કોઇ ફરીયાદ દાખલ ન થઇ અને તેને છુટ્ટો દોર આપવામાં આવ્યો તેની પાછળ મોટુ માથુ છે. 240 કરોડના બીટ કોઇન મામલે પોલીસ જાતે કેમ ફરીયાદી નથી થતી ? તેવો સવાલ ઉઠાવી તેમણે જણાવ્યુ હતું કે 12 કરોડના 200 કોઇન ખરેખર ટ્રાન્સફર થયા જ નથી. જેનો એફએસએલ રીપોર્ટ પણ છે. જ્યારે 240 કરોડના કોઇન અંગે શૈલેષના મુખે થયેલી વાતોનું રેકોર્ડીંગ અને પુરાવા સીઆઇડી તથા ગૃહમંત્રીને આપ્યા છે. છતાં રોજેરોજ નવી વાતો લવાઇ રહી છે. આ કૌભાંડને દબાવવા અને પુરાવાનો નાશ કરવા મારી હત્યા કે એન્કાઉન્ટર પણ થઇ શકે છે. હું ક્યાય નાસી ગયો નથી કે ફોન બંધ નથી, ધારીમાં જ છું. તેમના નામે જારી થયેલી પ્રેસનોટમાં ભલે આવો દાવો કરાયો પરંતુ આજે પણ તેમનો ફોન બંધ હતો અને સંપર્ક વિહોણા હતાં.