Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (15:11 IST)
નલિયા સેક્સકાંડમાં ભાજપના મોટા માથાં સંડોવાયેલાં છે - પિડીતા
નલિયા સેક્સકાંડમાં સંડોવાયેલાં મુખ્ય આરોપીઓનો ભાજપ સાથેનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, આ સેક્સકાંડ થકી રાજકારણીઓને યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વાતો પણ ખુલી રહી છે. ખુદ પિડીત યુવતીએ મિડીયા સમક્ષ એવો એકરાર કર્યો કે, આ સેક્સકાંડમાં ભાજપના મોટા માથા સંડોવાયેલાં છે એટલે જ મારી જાન પર જોખમ સર્જાયુ છે. હુ ડરના માર્યા જ મુંબઇ આવી છું.
નલિયા સેક્સકાંડમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છેકે, યુવતીઓને હોટલમાં રાજકારણીઓની સેક્સની ભૂખ સંતોષવા માટે યુવતીઓ મોકલવામાં આવતી હતી તેમને હોટલમાં મોકલવા માટે ભાજપના આઇકાર્ડ અપાયા હતાં. કચ્છ ભાજપમાં પંડિત દિનદયાળ પ્રશિક્ષણ અભિયાનમાં અપાયેલાં કાર્ડનો બખૂબી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, પોલીસ આ મામલે તપાસ જ હાથ ધરી નથી.
પિડિત યુવતીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, એક વર્ષ સુધી હું સેક્સકાંડનો ભોગ બની રહી હતી. શાંતિલાલ સહિતના આરોપીઓ મને વારંવાર વિડિયો ક્લિપ દેખાડીને બ્લેકમેઇલ કરતાં રહ્યા હતાં. આખરે હુ હારીથાકીને પોલીસ ફરિયાદ કરવા મજબૂર બની હતી. મને આજે મારી જાનનો ખતરો લાગી રહ્યો છે કેમ કે, આ સેક્સકાંડમાં ભાજપના મોટા માથા સંડોવાયેલાં છે. આમ, પોલીસ નિષ્પક્ષપણે તપાસ કરે તો ભાજપના પગતળેથી જમીન સરકી શકે તેવી ચોંકવનારી વિગતો સાથે સેકસકાંડનો ભંડાફોડ થઇ શકે છે. નલિયા સેક્સકાંડનો મુખ્ય સૂત્રધાર શાંતિલાલ દેવજી સોલંકી નલિયામાં ગેસ એજન્સી ધરાવે છે .
એક સમયે શાંતિલાલ કાપડ- સોયદોરા ફેરી કરીને માંડ જીવન નિર્વાહ કરતો હતો તે આજે ભૂજ,નલિયામાં દુકાન,બંગલા અને પ્લોટ ધરાવે છે. ગેસ એજન્સીમાં યુવતીઓને જ નોકરી રાખીને તે દુષ્કર્મ આચરી સેક્સ રેકેટમાં સામેલ કરતો હતો. શાંતિલાલ સોલંકી અબડાસા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાનો પ્રમુખપદે હતો. રાજકારણીઓની આંગળી પકડી તેણે આવી ગુનાહિત પ્રવૃતિ કરી હતી. અબડાસા પંથકમાં તેની મામા તરીકેની ઓળખ છે. સેક્સકાંડમાં સંડોવાયેલા વિનોદ વિશનજી ભિંડે જેની બબા શેઠ તરીકેની ઓળખતો હતો. બબાશેઠની નલિયામાં આઇડિયા સિમકાર્ડની એજન્સી હતી જેથી તે મોબાઇલની દુકાને યુવતીઓને નોકરી રાખી શિકાર બનાવતો હતો. થોડોક સમય થાય એટલે તે યુવતીઓને નોકરીમાં છુટી કરી મૂકતો હતો. આમ,બબા શેઠે પણ કેટલીય યુવતીઓને જાતીય સતામણીનો શિકાર બનાવી હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. ૬૭ વર્ષની ઉંમર ધરાવતાં બબાશેઠ રંગીન મિજાજી છે અને કચ્છના રાજકારણમાં મોટુ નામ ધરાવતાં જયંતિલાલ ઠક્કરના નજીકના સબંધી છે.
સામુહિક દુષ્કર્મના કિસ્સામાં પ્રથમ વાર એવુ બન્યું કે, પિતા પુત્રનું નામ આરોપી તરીકે બહાર આવ્યું છે. વિનોદ ભિંડેના પુત્ર ચેતન સામે પણ બળાત્કારનો આરોપ ઘડાયો છે. તે નલિયા ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે ચૂટાયો છે. રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવી તેણે વિસ્તારમાં રાજકીય ખોફ ઉભો કર્યો છે. ભરત ઠક્કર જમીન અને મકાનનો દલાલ છે. કચ્છના રાજકારણીઓ સાથે નજીકનો ઘરોબો ધરાવતા ભરત ઠક્કર મૂખ્ય સૂત્રધાર શાંતિલાલ સોલંકીનો રાઇડ હેન્ડ ગણાય છે. આ ઉપરાંત આરોપી અશ્વિન ઠક્કર નખત્રાણામાં જમીનની લે વેચનો ધંધાર્થી છે. નખત્રાણાના ભાજપ પ્રમુખ સાથે નજીક સબંધ ધરાવે છે.