ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 4 જુલાઈ 2019 (18:03 IST)

અષાઢી બીજના પવિત્ર દિવસે નર્મદા ડેમની મુખ્ય નહેરમાંથી સિંચાઇ સુવિધાનો પ્રારંભ : ૫૩૦૭ ક્યુસેક પાણી છોડાયુ

: ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.૪ થી જુલાઇ, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી ૫૩૦૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડીવીઝનનાં મદદનીશ ઇજનેર વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પુરું પડાશે. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇને અને સિંચાઇ માટેની જરૂરિયાતને લક્ષમાં લઇને ગુજરાતના જરૂરિયાતવાળા વિસ્તારોમાં સિંચાઇ માટે જરૂરી પાણીનો જથ્થો પુરો પડાશે તેમ શ્રી ખોડાએ ઉમેર્યું હતું. ગઇકાલ સુધી માત્ર પીવાના પાણી માટે ૨૮૦૦ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો.
નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા.૪ થી જુલાઇના રોજ સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમમાં ૧૬ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેને લીધે આજે સવારે ૮-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૦.૦૩ મીટર રહેવા પાણી છે, તેમ જણાવી નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.યુ. દલવાણીએ ઉમેર્યું હતું કે, ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે ગઇકાલ કરતાં આજે ડેમની સપાટીમાં ૧૭ સે.મી. વધારો નોંધાયો છે.