શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (12:48 IST)

જો રાજકીય રેલી-કાર્યક્રમને મંજૂરી મળતી હોય તો, નવરાત્રિને કેમ નહી?

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ હવે વિવાદનુ કારણ બની રહ્યો છે.એટલું જ નહીં.પાટીલના શક્તિ પ્રદર્શન કરવાનો મોહ ભાજપને ભારે પડી રહ્યો છે. તેનુ કારણ એ છેકે, ગાયક-સંગીતકારો સહિતના કલાકારોએ કમલમ પહોંચી પ્રદેશ પ્રમુખ પાટીલ સમક્ષ એવી રજૂઆત કરી એવો સવાલ ઉઠાવ્યો હતો કે, જો રાજકીય રેલી - કાર્યક્રમને મંજૂરી મળતી હોય તો નવરાત્રીને કેમ નહી. રાજ્ય સરકારને ગરબાની મંજૂરી આપવામાં શો વાંધો છે.સરકાર તો સાંભળતી નથી. હવે તમે તો ગરબાની મંજૂરી અપાવો.કોરોનાના વધતા જતાં સંક્રમણને પગલે ધાર્મિક ઉત્સવો -મેળા પર તો પ્રતિબંધ લાદી દેવાયો છે. જોકે, ગરબા આયોજકોએ રજૂઆત કરી હોવા છતાંય સરકારે હજુ સુધી નવરાત્રીને લઇને કોઇ નિર્ણય કર્યો નથી. આ સંજોગો વચ્ચે આજે સંગીત કલાકાર સંગઠનના નેજા હેઠળ કલાકારો કમલમ પહોંચ્યા હતાં.  કલાકારોએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરી હતીકે, લોકડાઉન બાદ ગાયક-સંગીત કલાકારોની દશા માઠી થઇ છે. હવે જયારે નવરાત્રી નજીક આવી છે ત્યારે પણ સરકાર કોઇ નિર્ણય લેવા તૈયાર નથી. અનલોક બાદ મોટાભાગના બધાય ધંધા રોજગાર શરૂ થઇ ચૂક્યાં છે ત્યારે નવરાત્રીને મંજૂરી આપવામાં સરકારને શો વાંધો છે. નવરાત્રી સાથે ગાયકો,સંગીતકારો,ડેકોરેશન સહિત અન્ય વ્યવસાયકારો જોડાયેલાં છે.તેમની રોજીનો સવાલ છે. આ જ મુદ્દે સરકારમાં રજૂઆત કરી પણ કોઇ સાંભળતુ નથી. કલાકારોએ એવો પાટીલ સમક્ષ જ એવો વેધક સવાલ ઉઠાવ્યો કે, જો રાજકીય પક્ષોની રેલી હોય કે,કાર્યક્રમ હોય તો છૂટ મળે તો પછી નવરાત્રીમાં ગરબાની મંજૂરી કેમ નહીં. સંગઠનના પ્રમુખ ચંદ્રેશ સોનીએ જણાવ્યુ કે, નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં ભલે રોક લગાવો પણ શેરી ગરબા ચાલુ રાખવા જોઇએ જેથી નાના કલાકારોની રોજીરોટી ચાલુ રહે. આજે મોટાભાગના કલાકારોની આિર્થક દશા ખૂબ જ દયનીય બની છે.  આ જોતાં રાજ્ય સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. આમ, કલાકોરોને ભાજપની રેલી-કાર્યક્રમને ટાંકીને ધારદાર રજૂઆત કરતાં ભાજપના નેતાઓ પણ મજબૂરવશ થઇને સાંભળવુ પડયુ હતું. પાટીલના સૌરાષ્ટ્ર બાદ સોશિયલ મિડીયામાં ભાજપના નેતાઓ લોકોના નિશાને પર રહ્યાં છે. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ રસ્તા પર ખૂબ ગરબે ઝૂમ્યા હતાં જેના વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ વાયરલ થયાં છે. આ વિડીયો જોઇને લોકો એવી કોમેન્ટો કરી રહ્યાં છેકે, કેસરિયો ખેસ પહેરીને ગરબા રમવાનુ એટલે પોલીસ પણ કઇં કરે નહીં. હવે લોકો એવી ટીકા કરી રહ્યાં છેકે, કોરોનાની મહામારી વચ્ચે ભાજપની રેલી નીકળે અને કાર્યકરો માસ્ક સુધૃધા ન પહેરો તો કઇં નહીંને, લોકો માસ્ક ન પહેરે તો પોલીસ દંડ ઉઘરાવે. આ કયાંનો ન્યાય છે.  છેલ્લા બે દિવસથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફતવાને પગલે કમલમમાં ભાજપના પ્રધાનોની ઓપીડી ચાલુ થઇ છે પણ આ નવતર પ્રયોગની ઝાઝો પ્રતિસાદ મળ્યો ન હતો. જાણે કે ભાજપના કાર્યકરોને ય ગળે ઉતરતુ નથી કે,કમલમમાં રજૂઆત કર્યા બાદ પણ પ્રશ્ન હલ થાય. છેલ્લા બે દિવસમાં માત્ર ગણતરીના  80 કાર્યકરો માંડ આવ્યા હતાં. કેટલાંય કાર્યકરોએ તો રજૂઆત તો કરી  સાથે સાથે  પાટીલ સાથે ફોટા પણ પડાવ્યા હતાં. ઝડફિયાની હત્યાની સાઝિશના પર્દાફાશ બાદ કમલમમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.