ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (15:58 IST)

નવરાત્રિની મંજૂરી અંગે નાયબ મુખ્યમંત્રીનો સંકેત, ગાઈડલાઈન પ્રમાણે છૂટ મળી શકે છે

કોરોના મહામારીને કારણે નવરાત્રિ ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે.  નીતિન પટેલે આગળ કહ્યું કે, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે.  પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રિ પહેલા જાહેરાત કરશે.  રાજ્યમાં નવરાત્રિ અંગે હજુ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ગરબા સંચાલકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર દબાણ વધારી દીધું છે. તેઓએ માંગ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નવરાત્રિ કાર્યક્રમ કરવા દેવા જોઇએ. જેથી આ ક્ષેત્રના લોકોની રોજગારી જળવાઇ રહે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંજૂરી આપે તે પછી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમારી પાસે કેટલાય સંચાલકોની રજૂઆત આવે છે પરંતુ કોરોના સંક્રમણ હજી ચાલુ હોવાથી તેમજ સંક્રમણ વધતું હોવાથી અત્યારના તબક્કે સરકાર કોઇ નિર્ણય લઇ શકે તેમ નથી.