1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (19:42 IST)

છેતરપિંડીનો નવો કિમિયો: વેક્સિન રજીસ્ટ્રેશનને લઈ કોઈ ફોન આવે તો થઇ જજો સાવધાન

જો તમને વેક્સિન રજીસ્ટ્રેશન ને લઈ કોઈ ફોન આવે તો સાવધાન રહેજો તમે છેતરપિંડી નો ભોગ બની શકો છો. ગુજરાતના જાણીતા સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, વેક્સિનનું રજીસ્ટ્રેશન ફોન પર થતું નથી, આરોગ્ય સેતુ એપ અથવા CoWin વેબસાઇટ પર જ થાય છે.  વેક્સિનની અપોઈન્ટમેન્ટ માટે જાતે જ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. સરકાર દ્વારા  વેક્સિનનું રજીસ્ટ્રેશન માટે કોઈને ફોન કરવામાં આવતા નથી. સ્લોટ બુક થયાની માહિતી ફોન નહિ પણ મેસેજ દ્વારા આપવામાં આવે છે.  વેક્સિન રજીસ્ટ્રેશન નિઃશુલ્ક હોવાથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવું નહિ. 
 
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા વધુમાં જણાવે છે કે, કોરોના વેક્સીનેશન બદલ મળતા સર્ટીફીકેટ ને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવું જોઈએ તમને ખૂબ જ આર્થિક રીતે નુકશાન પહોંચાડી શકે છે. કારણ જાણી તમે ચોંકી જશો કોરોના વેક્સીનેશન સર્ટીફીકેટમાં નાગરિકના આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવવામાં આવે છે જે તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી હોય છે. જેનો ઉપયોગ કરીને સાયબર ગુનેગાર તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.
 
સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા એ જણાવ્યું કે, ‘થિંક બીફોર યુ ક્લિક, થિંક બીફોર યુ પોસ્ટ, થિંક બીફોર યુ ચેટ’ સૂત્ર સાથે ડિજિટલ ફૂટપ્રિન્ટ ના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટ્સ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મીડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ ખુબ સમજદારી પૂર્વક તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ.  સોશિયલ મીડિયાથી થતા નુકશાન ની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.  
 
ગુજરાતના સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, ગુજરાત સરકારે gujaratcybercrime.org નામની વેબસાઈટ લોન્ચ કરી છે જેના પર તમે તમારી સાથે થાય સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ કેન્દ્ર સરકારની cybercrime.gov.in આ વેબસાઈટ તેમજ 155260 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકો છો.
 
ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે અલગ અલગ યુનિટ કાર્યરત છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.