સોમવાર, 15 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 એપ્રિલ 2024 (17:54 IST)

સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોમાં નવા સત્રથી 2 હજારથી લઈ 10 હજાર સુધીનો ફી વધારો

new education session
ગુજરાતની સ્કૂલોમાં બે માસ બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. પરંચુ હજી સુધી સૌરાષ્ટ્રના 11 જિલ્લાની સ્કૂલોએ માંગેલા ફી વધારા મુ્દે FRC દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે સ્કૂલો દ્વારા જ મન ફાવે તેમ ફીની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સ્કૂલોમાં જૂની ફીમાં 2 હજારથી લઈને 10 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. 2017માં ગુજરાત સરકાર દ્વારા ફી નિર્ધારણનો કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યના 4 ઝોનમાં ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. હાલ આ કમિટીમાં 5માંથી 3 સભ્યોની નિમણૂક છેલ્લા 5 માસથી થઈ ન હોવાથી ખાનગી સ્કૂલોની ફી નિર્ધારિત થઈ શકી નથી. સૌરાષ્ટ્ર ઝોનની કમિટીમાં પણ 5માંથી માત્ર 2 જ સભ્યો રહ્યા છે. 
 
સૌરાષ્ટ્ર ઝોનની કમિટીમાં માત્ર 2 જ સભ્યો રહ્યાં છે
રાજકોટ ફી નિર્ધારણ કમિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટીમાં હાલ FRC ચેરમેન એવા નિવૃત જજ પી. જે. અગ્રાવત અને શિક્ષણવિદ સભ્ય અશોક સેતા જ છે. જ્યારે ખાનગી સ્કૂલોના પ્રતિનિધિ સભ્ય અજય પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગિરીશ દેવળીયા અને સિવિલ ઇજનેર વી. સી. પાઠકની ટર્મ ગત નવેમ્બર માસથી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા નવી નિમણૂક કરવામાં આવી નથી. જેને લીધે કમિટીમાં માત્ર 2 જ સભ્યો રહ્યાં છે. તેમના દ્વારા હાલ ફી વધારો માગ્યો છે તેવી સ્કૂલોની ફી નક્કી કરવા માટેની કોઈપણ પ્રકારની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. 
 
સ્કૂલોએ કરેલી દરખાસ્ત પર કામ ચાલુ થયું નથી
રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી હેઠળ રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની ખાનગી સ્કૂલો આવે છે. જેમાં સૌરાષ્ટ્રની 4,000 ખાનગી સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થી દીઠ ફી પ્રાથમિકમાં 15,000, માધ્યમિકમાં 25,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 30,000 કે તેથી ઓછી છે. જે સ્કૂલોએ પણ સૌરાષ્ટ્ર ઝોનની ફી નીયમન કમિટીમાં એફિડેવિટ કર્યું છે. જ્યારે 500 ખાનગી સ્કૂલો એવી છે કે, જેમના દ્વારા ઉપરોક્ત ફીથી વધુ વાર્ષિક ફી લેવામાં આવે છે અને તેમના દ્વારા નવા વર્ષે ફી વધારો માંગવામાં આવ્યો છે. જોકે, હકીકત એ છે કે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા હજુ રાજ્ય સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ જે સ્કૂલો ફી લે છે, તેઓની એફિડેવિટની ફાઈલનું કામ હજુ ચાલી રહ્યું છે. સાથે જ ફી વધારા માટે જે સ્કૂલોએ દરખાસ્ત કરી છે, તેનું કામ પણ હજુ શરૂ થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.