1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (12:40 IST)

૧૪૦ કરોડના ખર્ચે અધ્યતન સુવિધાઓથી સજ્જ નવા MLA ક્વાટર્સ બનશે, આગામી બજેટ સત્ર દરમ્યાન ભૂમિપૂજન કરવામાં આવશે

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૭ ખાતે તૈયાર થઇ રહેલા અધ્યતન નવા એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ આજે સ્થળ મુલાકાત કરી એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. ૨૮ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણીને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ સૈધ્ધાતિક મંજુરી આપી છે. આગામી બજેટ સત્ર દરમ્યાન આ નવા સદસ્ય નિવાસનું ભૂમિપૂજન કરવામાં આવશે.
 
અંદાજીત રૂ.૧૪૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા નવા એમ.એલ.એ. ક્વાટર્સમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ ૯ માળના કુલ ૧૨ ટાવર બનશે. ૨૧૦ ચો.મી બિલ્ટઅપ એરિયા મુજબ ૧૬૮*૧૦.૭૬ પ્રમાણે ૧૮૬૦ ચો.ફુટની સમિતિની માંગણી મંજુર કરવામા આવી છે. આ ફ્લેટમાં ચાર બેડરૂમ સહિત ૯ રૂમ બનાવવાનુ આયોજન છે. જેમાં રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાસભર રૂમ બનશે. 
 
નવા તૈયાર થઇ રહેલા સદસ્ય નિવાસમાં સુંદર એમિનિટિઝ પણ ઉભી કરવામાં આવશે. જેમા બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાશે. તે ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેઇટ હશે.  આ બેઠકમાં સદસ્ય નિવાસ સમિતિના સભ્યો, ધારાસભ્યો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.