રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (14:39 IST)

હવે શાળાઓમાં એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર : વર્ષ 2021ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે!

રાજય સરકારના શિક્ષણ વિભાગે સેન્ટ્રલ બોર્ડની એકેડેમીક પેર્ટનનો અમલ કરી રાજયની તમામ પ્રાથમિક માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 અને ત્યારપછીના વર્ષો માટે એપ્રિલથી કરવા માટે નિર્ણય લીધો છે.

જેના પગલે હવે સેન્ટ્રલ બોર્ડની પેટર્ન મુજબ શાળાઓની વાર્ષિક પરીક્ષાઓ માર્ચમાં પૂરી થયા બાદ તુરંત જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસો વધશે. તેમજ સેન્ટ્રલ બોર્ડની પેટર્ન મુજબ વર્ષ 2021થી ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા પણ ફેબ્રુઆરીમાં જ લેવાય જશે. ચાલુ વર્ષથી સેન્ટ્રલ બોર્ડની આ પેટર્નનનો અમલ થનાર છે.

હાલમાં માર્ચ માસના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વાર્ષિક પરીક્ષા પુરી થયા પછી મે માસના પ્રથમ સપ્તાહમાં ઉનાળું વેકેશન ચાલુ થતા સુધી મહિનો જેટલો સમય શાળા ચાલુ રહે છે પણ પરીક્ષા પૂર્ણ થયા પછી અસરકારક શૈક્ષણિક કામ સામાન્ય થતું નહોતું. સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં આ સમયનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી એપ્રિલમાં જ નવું શૈક્ષણિક વર્ષ શરૃ થાય છે અને અંદાજે ચાર સપ્તાહ જેટલા સમયના શૈક્ષણિક કાર્ય પછી ઉનાળું વેકેશન શરૃ થાય છે. તે જ પદ્વતિ રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ લાગુ થશે.

આગામી શૈક્ષણિક વર્ષ 2020-21 માટે નવું શૈક્ષણિક વર્ષ 20 એપ્રિલ 2020થી શરૂ થશે અને ઉનાળું વેકેશન 4 મેથી 7મી જૂન સુધી રહેશે. વર્ષ 2021-2022 અને ત્યારપછીના વર્ષોથી નવું શૈક્ષણિક સત્ર એપ્રિલના પ્રથમ સપ્તાહથી શરૃ કરવાનું રહેશે અને ઉનાળું વેકેશન મે માસના પ્રથમ સપ્તાહથખી શરૃ કરી જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી રાખવાનું રહેશે. તે ધ્યાને રાખી અત્યારથી જ આવતા શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષા અને તે સંલગ્ન તમામ કામગીરી માર્ચ માસમાં પુરી કરવાની રહેશે.

શૈક્ષણિક વર્ષનું આયોજન એપ્રિલથી ચાલુ કરી પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે મુજબ કરવાનું રહેશે. જેમાં જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમય નક્કી થાય તે મુજબ કરવાનો રહેશે. એપ્રિલમાં પાઠય પુસ્તક મળી જાય તેનું આયોજન કરવાનું રહેશે. ઉનાળું અને દિવાળી વેકેશનના દિવસોની સંખ્યા યથાવત રાખવાની રહેશે. રાજયના શિક્ષણ વિભાગનો આ નિર્ણય રાજ્યની જિલ્લા પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓ, સરકાર દ્વારા મંજૂરી મેળવી સ્થપાયેલ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, શિક્ષણ બોર્ડ, ગાંધીનગરમાં રજિસ્ટર્ડ થયેલ સરકારી તેમજ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બાળકોને વાર્ષિક પરીક્ષા પૂરી થયા બાદ બે મહિનાનું વેકેશન મળતું હતું. પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડની સીસ્ટમનો અમલ કરાતા વિદ્યાર્થીના વેકેશનના દિવસો ઓછા થશે. આમ શિક્ષણ વિભાગના આ નિર્ણયની તમામ વિદ્યાર્થીઓ પર અસર થશે.