બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (11:54 IST)

ગુજરાતમાં મગફળી કાંડની હારમાળા જૂનાગઢમાં ખરીદી કાંડથી ખેડૂતોમાં રોષ

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકાર ખેડૂતોની મગફળની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે પરંતુ દર વર્ષે ભેદી રીતે મગફળી કાંડ સર્જાય છે. આ જૂના મગફળી કાંડની તપાસના અંતે પણ હજુ કોઇને સજા થઇ શકી નથી ત્યારે હવે જૂનાગઢમાં ફરી એક વાર મગફળી કાંડ સર્જાયું છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી. બાદમાં આ મગફળીમાં ગોલમાલ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતા કિસાન ક્રાંતિના કિશોર પટોળીયા અને કિસાન કૉંગ્રેસના અધ્યક્ષ મનિષભાઇ નંદાણીયાએ યાર્ડમાં જનતા રેડ કરી તપાસ હાથ ધરતા સીલબંધ બારદાનોની સ્થિતિ શંકાસ્પદ લાગી હતી. આથી બારદાન ખોલીને જોતા તેમાંથી સારી મગફળીના બદલે હલકી ગુણવત્તાવાળી મગફળી મળી આવી હતી. બાદમાં આવી ૧૫૬ ગુણી મગફળીના જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો. એક તબક્કે અધિકારીએ માલમાં ગોલમાલ થયાનું સ્વીકારી લીધું હતું. જ્યારે ગાંધીગ્રામના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી પણ બારદાનમાં ભેળસેળવાળી મગફળીનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આટ આટલું થવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા શરમ નેવે મૂકીને આ જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો છે. મનિષભાઇ નંદાણીયાએ જણાવ્યું હતું કે, આવા જથ્થાને સગેવગે કરવા માટે ૭ ટ્રકમાં અંદાજે ૨,૧૦૦ ગૂણી મગફળી ભરીને જેતપુર તાલુકાના રબારીકાના વેરહાઉસમાં મોકલી દેવામાં આવ્યો છે. ભેસાણમાં પણ મગફળી કૌભાંડનું ભૂત ધુણ્યું છે. બીજી બાજુ આ કૌભાંડનો ભાંડો ફૂટ્યા બાદ હજુ પણ ૫ ટ્રકમાં અંદાજે ૧,૫૦૦ ગૂણી મગફળી ભરીને તૈયાર રાખી છે તેને પણ સગેવગે કરવાની પેરવી થઇ રહી છે. ત્યારે આ કૌભાંડ પર પડદો પાડી દેવાના અને ભીનું સંકેલી લેવાના પ્રયાસ પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. ગોડાઉનમાં મોકલવા માટેની મગફળીની ગૂણીમાંથી ખેડૂતની સારી ગુણવત્તા વાળી મગફળી કાઢી લઇ ઓઇલ મિલરોને વેંચી દઇ વેપારીની હલકી ગુણવત્તા વાળી મગફળી ભરી દેવાઇ હતી. જનતા રેડમાં આ કૌભાંડનો પર્દાફાશ થતા તમામ જથ્થાને સિઝ કરવાની પુરવઠા અધિકારીએ ખાતરી આપી હતી.