બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 જૂન 2019 (18:35 IST)

પૂર્વ ધારાસભ્યોના સંગઠનનો આરોપઃ પેન્શન સહિતના મુદ્દાઓની ચર્ચા માટે સીએમ પાસે સમય નથી

ગુજરાતના 400થી વધુ પૂર્વ ધારાસભ્યોના સંગઠન એક્સ એમ.એલ.એ. કાઉન્સિલ દ્વારા પેન્શન સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરaવા માટે મુખ્યમંત્રીને સાત સાતવાર પત્રો લખીને મુલાકાત માગી છતાં મુલાકાત તો ઠીક પણ જવાબ આપવાનું પણ સૌજન્ય દાખવતા નથી. કાઉન્સિલના ચેરમેન બાબુભાઈ મેઘજી શાહે રાજ્ય સરકાર સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, અન્ય રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ નહીં?, આ મામલે ભાજપના પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસે પણ ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.આ અંગે બાબુભાઈ શાહે વધુમાં ઉમેર્યું કે, આજે ઘણા બધા પૂર્વ ધારાસભ્યોને બે છેડા ભેગા કરતા આંખે પાણી આવી જાય છે. આ પ્રકારના અનેક પૂર્વ ધારાસભ્યો આજે પણ આપણી વચ્ચે છે. જ્યારે બીજી બાજુ રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના પગારો અત્યારની મોંઘવારીને અનુલક્ષીને સારા એવા વધારી દેવામાં આવ્યા છે, આવો પક્ષપાત કેમ રાખવામાં આવે છે તે સમજાતું નથી. પૂર્વ ધારાસભ્યો પણ વિતેલા જમાનાના સંનિષ્ઠ લોકસેવક છે. જેઓએ પ્રમાણિકતાથી પ્રજાકીય કામો કર્યા છે. પોતે ધારાસભ્ય નથી એટલે પ્રજાનું કામ નહીં કરે એવા નિષ્ઠુર નથી. આ સિવાય પૂર્વ ધારાસભ્યોની ઘણી બધી પડતર માગણીઓ હજુ સુધી સંતોષાઈ નથી. જે માટે કાઉન્સિલે અનેકવાર પત્રો લખી સરકારને યાદ અપાવી છે. પૂર્વ ધારાસભ્યોને સવલતો, મુસાફરી માટે એસ.ટી.તંત્ર તરફથી કરાતું અપમાનજનક વર્તન તેમજ મેડિકલ સહાય બાબતે સત્વરે પુનઃવિચારણા કરવા અમે મુખ્યમંત્રી અને સંસદીય બાબતોના મંત્રીને અપીલ કરીએ છીએ. સાથે વિરોધપક્ષના નેતા આ માંગણીઓ ઉકેલાય તે માટે સરકારને સક્રિય સહકાર આપે એવી પણ અમારી વિનંતિ છે.