મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (13:16 IST)

ગુજરાતમાં ભાજપના નેતાઓની આવી તે કેવી નિવેદનબાજી?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સૂચક રાજકીય નિવેદનોની ઝડી વરસી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે ટવેન્ટી ટવેન્ટી રમવા આવ્યા છીએ અને અડધી પીચે પણ રમીએ છીએ તેવા વિધાનો કર્યા તેના રાજકીય અર્થઘટન કાઢવાની કોશીશ કરી પરંતુ કોઈ છેડો મળતો નથી તે વાસ્તવિકતા છે. મુખ્યમંત્રીએ તો આ વિધાન કરીને મૌન સેવી લીધુ પણ ત્યારબાદ તેના પડઘા પડતા રહ્યા છે. રાજયના એક સાઈડલાઈન થયેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટવેન્ટી ટવેન્ટી પર પોતાનું મંતવ્ય આપ્યુ અને તેને મુખ્યમંત્રીના વિધાનોનો જવાબ ગણી લેવાયો. કોઈ આઈપીએસ અધિકારીએ આ રીતે આડકતરુ પણ આ પ્રકારનું ટવીટ કર્યુ હોય તેવુ કદાચ ગુજરાતમાં પ્રથમ પ્રસંગ છે. 
નિતીન પટેલનું વિધાન પણ હાલ ચર્ચામાં છે. મહેસાણામાં તેઓએ ચૌધરીઓની આભાર સભા જેવા સંમેલનમાં મને બે વખત 2012 અને 2017માં હરાવવા પ્રયત્ન થયો હતો. હવે નિતીન પટેલ કોના સંદર્ભમાં બોલ્યા તેની ચર્ચા છે. કોંગ્રેસ તો સ્વાભાવિક નિતીન પટેલને હરાવવા પ્રયત્ન કરે જ છે તેમાં કોઈ નવી વાત નથી તો પટેલે તેમને હરાવવા કોઈ પ્રયત્નશીલ હતું તેવો મમરો મુકીને નવુ નિશાન સાધ્યુ હોય તેમ મનાય છે. નિતીન પટેલ 2017 થી અકળામણ અનુભવી રહ્યા છે તે પ્રારંભથી જ જોવા મળ્યું હતું અને પોતાની સીએમની મહત્વાકાંક્ષા છુપાવી નથી તે પણ નિશ્ર્ચિત છે. ભુપેન્દ્રસિંહે પણ આ તમામ ગતિવિધિ વચ્ચે એક વિધાન કરીને આશ્ર્ચર્ય ફેલાવ્યુ છે. 
એક ટીવી ચેનલના રિપોર્ટ મુજબ ચુડાસમાએ એવુ કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ કથળ્યું છે. રસપ્રદ બાબત એ છે કે છેલ્લા લગભગ એક દસકાથી તેઓ શિક્ષણ મંત્રી છે અને છતાં પણ તેઓએ આ વિધાન કરીને ચર્ચા જગાવી છે. શું તેઓ આ ખાતામાં પોતાના પર જ દોષ આપી શકે કે પછી કોઈને ટાર્ગેટ કર્યા છે તેની પણ વાત છેતો રાજયના વધુ એક પુર્વ આઈપીએસ અધિકારી વસાણીએ પોલીસ ખાતામાં ટોચની કક્ષાએ જે ભ્રષ્ટાચાર ચાલે છે તેમાં આઈપીએસ અધિકારીઓ 300 કરોડ બનાવે છે તેવું વિધાન કર્યુ છે. 
વસાણીનું ટાર્ગેટ જે હોય તે પણ રાજયમાં અને કેન્દ્રએ એવો સીલસીલો છે કે જેઓ નિવૃત થાય તે સરકારના કામગીરીની ટીકા કરે છે. કેન્દ્રીય કક્ષાએ અર્થશાસ્ત્રીઓ આવું કરી ચૂકયા છે. પોતાના જ સાથીદારોને નિશાન બનાવવાનું પણ આશ્ર્ચર્યજનક છે. અને છેલ્લે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ તેમના પક્ષ સંચાલીત સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલે છે તેવુ બિન્દાસ્ત નિવેદન આપ્યુ અને ચર્ચા જગાવી છે. હર્ષ સંઘવી માટે હજુ લાંબી રાજકીય કારકિર્દી છે તેઓ મુખ્યમંત્રીની નજીક ગણાય છે તેમ છતાં આ પ્રકારનું વિધાન પણ રસપ્રદ છે અને કોને ટાર્ગેટ કરાયુ છે તે પ્રશ્ર્ન છે. ગુજરાતમાં આ રીતે ભાજપમાં જ એક બાદ એક નેતાઓના નિવેદનો છેક કેન્દ્રીય કક્ષાએ ચર્ચા જગાવી છે. કોણ કોને ટાર્ગેટ કરે છે તે પણ પ્રશ્ર્ન છે.