મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 મે 2017 (16:13 IST)

ભાવનગરના મુસ્લિમ યુવાનનું હૃદય જામનગરના હિન્દુના શરીરમાં ધબક્યું

ભાવનગરના કોમામાં રહેલા મુસ્લિમ યુવાનના શરીરના અવયવોનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય કર્યા બાદ તેના હૃદયને જામનગર સ્થિત એક આહીર સદગ્રસ્તને દાન આપવામાં આવ્યું હતું. આજે મુસ્લિમ પરિવાર આહીર પરિવારને મળવા આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં. આ તકે મુસ્લિમ પરિવારનું સ્થાનિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

મયુરનગરમાં રહેતા અરજણભાઈ આંબલીયા નામના સદગ્રસ્તને હૃદયની બીમારી લાગુ પડી ગઈ હતી. જેમાં તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું  પડે તેમ હતું. બીજી બાજુ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેતા આશીફભાઈ મામદભાઈ જણેજા નામના ૩૭ વર્ષના યુવાનનું અકસ્માત થતા તે ગંભીર હાલતમાં કોમામાં ચાલ્યા ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું. તેના તમામ શરીરના અંગોનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય કરતા તેનું હૃદય અરજણભાઈ આંબલીયા  ને આપવામાં આવ્યું હતું. જે ઓપરેશન સફળ રહ્યું હતું.
દરમિયાન ઓપરેશન સફળ થયા બાદ આસિફના પરિવારજનો તેના પિતા મામદભાઈ ભાઈ ઈમરાન અને પિતરોઈ ભાઈ રાહુલ તેમજ ખાયડીગામના સરપંચ ટપુભાઈ ગોજીયા આજે અરજણભાઈને મળવા તેમના ઘરે સવારે આવ્યા ત્યારે લાગણી સભરના દ્રશ્યો સર્જાયા હતાં. પોતાના પુત્રનું હૃદય અન્યના શરીરમાં જીવિત જોઈ પિતા લાગણી શીલ બની ગયા હતાં. તેમજ આજુબાજુના લોકોની આંખોમાં ભરાઈ આવી હતી. આ તકે સ્થાનિક નેતાઓ તથા આગેવાનોએ આશિફના પરિવારજનોનું સન્માન કરી તેમને બિરદાવ્યા હતાં.