ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 12 મે 2017 (11:53 IST)

ત્રણ બાળકો થયાં બાદ વિધિવત લગ્નનો કિસ્સો, જ્યારે આણંદમાં વરરાજાને લગ્ન સમારંભ દરમિયાન એટેક આવતાં મોત

રાજકોટમાં અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં યુગલે સાત વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા બાદ વિધિવત લગ્ન કર્યા હતા. યુગલને ત્રણ બાળકોમાં બે પુત્રી અને એક પુત્ર સંતાનમાં છે. જેમાં મોટી પુત્રીની ઉંમર છ વર્ષની છે.  ગત 10મેના રોજ વિધિવત બન્નેના પરિવારજનોએ લગ્ન કરાવ્યા હતા. ત્રણેય બાળકો પોતાના માતા-પિતાના લગ્નમાં ફૂલેકામાં બાળકો નાચ્યા હતા.

રાજકોટમાં રહેતા અને મોરબી રોડ પર જકાતનાકા પાસે ફર્નિચરની દુકાન ધરાવતા દુર્ગેશભાઇ રાઠોડે નીલમબેન સાથે સાત વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. સાત વર્ષ બાદ ગત 10 મેના રોજ વિધિવત બન્નેના લગ્ન થયા હતા. પિતાના ફુલેકામાં બાળકો પણ ખૂબ જ નાચ્યા હતા. તેમજ દુર્ગેશભાઇ મોરબી રોડ પર ફર્નિચરની દુકાન ધરાવે છે. બે પુત્રીમાં એકનું નામ રાધિકા છે અને બીજીનું નામ ગુંજન છે. તેમજ પુત્રનું નામ પાર્થ છે. જેમાં રાધિકા હાલ છ વર્ષની છે.  આઠ વર્ષ પહેલા પાડોશમાં રહેતી નીલમ સાથે મને પ્રેમ થયો હતો. ત્યારે સમય સંજોગોને લઇ વિધિવત લગ્ન થાય તેમ નહોતા. આથી નક્કી કર્યું હતું કે, ભલે ભવિષ્યમાં બાળકો થાય પરંતુ વિધિવત ગલ્ન તો કરવા જ છે. સાત વર્ષે ત્રણ વર્ષના પાર્થના મુંડન વિધિમાં માતાજીના ભૂવાનો સમય લીધો. ત્યારે તેણે કહ્યું તમારે છેડાછેડી છોડાવો પછી જ મુંડન થાય. પરંતુ અમારા તો વિધિવત લગ્ન જ નહોતા થયા. આથી વિધિવત લગ્ન કરવાનું નક્કી કર્યું અને લગ્ન કર્યા.

તો બીજી બાજુ આણંદમાં એવો બનાવ બન્યો હતો કે  બોરસદ ગામે એક લગ્ન સમારંભ દરમિયાન રણોલીના વરરાજા સાગર સોલંકીનું હૃદયરોગના હુમલાથી અચાનક જ મોત થતાં લગ્નનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો. વરઘોડામાં વરરાજા જાનૈયાના ખભા પર બેસી ડીજેના તાલે નાચી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક જ હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડ્યાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયાં હતાં. બાદમાં તેમનું મોત નિપજ્યું હતું. દીકરીના લગ્ન હોય અને આંગણે જાન આવી હોય તેવા રૂડા અવસરની જાણે કોઇની નજર લાગી ગઇ હતી. બોરસદ શહેરમાં મોડી રાત્રે દીકરીના લગ્નની શરણાઇ વાગી રહી હતી. રણોલીથી જાન પણ આવી ગઈ હતી અને વરરાજા અને જાનૈયા ડીજે અને ઢોલના તાલે નાચગાન કરી મંડપ તરફ જઇ રહ્યાં હતાં. વરઘોડામાં જાનૈયાના ખભે બેસીને વરરાજા સાગર સોલંકી સહિત મિત્રો સંગીતના તાલે ઝુમી રહ્યાં હતાં.આ સમયે અચાનક જ વરરાજાની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઇ જતાં જાનૈયા પણ થોડા સમય માટે સ્તબ્ધ થઇ ગયાં હતાં. જે કારમાં વરરાજા શણગાર સાથે આવ્યાં હતાં, તે જ કારમાં તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વધુ તબિયત ગંભીર જણાતાં આણંદ સુધી લાવ્યાં હતાં. જોકે, તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી બન્ને પરિવારો સ્તબ્ધ થઇ ગયાં હતાં.