મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:26 IST)

કનૈયાની તરફદારી કરતા જિજ્ઞેશને દલિતો ઓળખી લે: કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર

ગાંધીનગર દલિતો પર થયેલા અત્યાચાર અંતર્ગત ઉનાકાંડની વરસી નિમિત્તે મહેસાણાથી આઝાદી યાત્રાનું આયોજન કરનારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક જિજ્ઞેશ મેવાણીની કેબિનેટ મંત્રી આત્મારામ પરમારે આકરી ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાની ત્રાસવાદીઓની તરફદારી કરનારા કનૈયાકુમારને ગુજરાતમાં લઈને ફરતા જિજ્ઞેશ મેવાણીને ગુજરાતની પ્રજા તેમજ દલિતોએ ઓળખી લેવાની જરૂર છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું કે, મેવાણીએ અમરનાથ યાત્રાના શહીદોનું-રાષ્ટ્રનું તેમજ ગુજરાતનું અપમાન કર્યું છે. તે બદલ મેવાણીએ માફી માંગવી જોઈએ. કારણકે જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાકુમારે ત્રાસવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વોની તરફદારી કરી છે. તેણે અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિ આપતા નારાઓ લગાવ્યા હતા. આવા વ્યક્તિને દલિત સંમેલનના નામે ગુજરાતમાં બોલાવીને મેવાણીએ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું અપમાન કરવાની વરવી રાજનીતિ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસના હાથા બનીને, દલિતોના ખભે બંદૂક મૂકીને ફોડવાની ગંદી રાજનીતિ કરનારા કનૈયાકુમાર અને મેવાણીને દલિતો જાકારો આપશે.