બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (12:41 IST)

સમગ્ર દેશમાં 2000ની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 8મી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ એવુ અનુમાન થઈ રહ્યું હતું કે આખા દેશમાંથી નકલી નોટોનો વેપાર બંધ થઈ જશે. જ્યારે આ પ્રક્રિયા પુરી કર્યા બાદ પણ દેશમાં નકલી નોટો પકડાવવાનો સિલસિલો ચાલુ જ છે. સમગ્ર દેશમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં નોટબંધી બાદ સૌથી વધુ 2000 રૂપિયાની નકલી નોટો મળી આવી હોવાની માહિતી મિનિસ્ટ્રી ઑફ હોમ અફેયર્સ દ્વારા આ માહિતી અપાઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર દેશભરમાંથી કુલ 66,92,000 રુપિયાની નકલી 2000ની નોટ પકડાઈ હતી.

જે પૈકી ગુજરાતમાંથી 26,42,000 રુપિયાની નકલી નોટ કબજે કરાઈ હતી. નોંધનીય છે કે ગુજરાતમાંથી લગભગ 40 ટકા નકલી 2000 રુપિયાની નોટ પકડાઈ હતી.ગુજરાતમાં પોલીસ દ્વારા 1321 જેટલી 2000 રુપિયાની નોટ કબજે કરાઈ હતી. જ્યારે RBI દ્વારા 2 નોટ કબજે કરવામાં આવી હતી. આ બાબતે 3 પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જ્યારે દેશમાં સૌથી વધારે 12 લોકોને નકલી નોટોને સર્ક્યુલેશનમાં મુકવાના ગુનામાં આરોપી બનાવાયા હતા. નોંધનીય છે કે આખા દેશમાં 64 વ્યક્તિઓ વિરુદ્ધ જ આવી કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત નકલી નોટોના કારોબારીઓ માટે પહેલી પસંદ છે. કારણકે રાજ્યમાં વેપારી પ્રવૃતિઓનું પ્રમાણ વધારે છે. મોટાભાગે આ નોટ રાજ્યના અર્થતંત્રમાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ખાતે રહેલા ઓપરેટર્સ દ્વારા ઘૂસાડવામાં આવે છે.’એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નકલી નોટોના રેકેટમાં પકડાયેલા મોટા ભાગના લોકો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના છે. આ તમામ નોટ જાહેર જનતાની જાગૃતિને કારણે અને પોલીસની સતર્કતાને કારણે પકડાઈ છે. પકડાયેલી કેટલીક નોટો પૈકી અમુક નોટો અમદાવાદમાં પણ છાપવામાં આવી હતી.