મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (15:38 IST)

સોશિયલ મીડિયામાં જામેલી આઘા રેજો, વિકાસ ગાંડો થયોની મજાકથી ભાજપ લાલઘૂમ

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાંક દિવસોથી ભાજપના વિકાસના મૂદ્દાને લઈને ભારે મજાક અને રમૂજ પેદા કરતા સંદેશાઓ ફરતા થયા છે. જેમાં ભાજપએ અત્યાર સુધીના શાસનમાં કરેલા વિકાસના દાવાઓની એક કહીને મજાક ઉડાવાઈ રહી છે કે, આઘા રેજો, વિકાસ ગાંડો થયો છે. કદાચ આટલા વર્ષોમાં પહેલી વાર એવું થયું છે કે, તમામ પ્રકારના પ્રચારમાં અને ખાસ કરીને સોશીયલ મીડિયામાં દરેક રાજકીય પક્ષોને હંફાવી દેનારા ભાજપના મોઢે, ‘વિકાસ ગાંડો થયો છે’ના મુદ્દે ફીણ આવી ગયા છે. અને તેથી જ ભાજપે પોતાનો બચાવ કરવા માટે એવું કહ્યું છે કે, હા, વિકાસ ગાંડો થયો છે અને હજુ તો વિકાસ તોફાની બનશે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતુંકે, વિકાસ ગાંડો થયો છે એ વાત સાથે અમે બિલકુલ સહમત છીએ. જો વિકાસ ગાંડો ના થયો હોત તો નોટબંધી ના થઈ હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો ટ્રિપલ તલાકનો ચુકાદો ના આવ્યો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો બાબા રામ રહીમ હજુ પણ બળાત્કાર કરતો હોત. અને વિકાસ ગાંડો ના થયો હોત તો સર્જીકલ સ્ટ્રાઈક ના થઈ હોત. વધુમાં તેમણે એમ પણ કહ્યુંકે, વિકાસ તો હજુ ગાંડો થવાનો છે અને તે હવે ગાંડો થશે તો 370 કલમ હટી જશે. રામ મંદિરનો મુદ્દો પણ હલ થઈ જશે. સાથે જ જો હવે વિકાસ ગાંડો થશે તો પીઓકે પર ભારતનો ઝંડો હશે. ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે જણાવ્યું હતુંકે, હજુ તો વિકાસ તોફાની થવાનો છે.