શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:56 IST)

નવા વર્ષની ઉજવણી બાદ અમદાવાદમાં 116 શખ્સો નશો કરેલા ઝડપાયા

અમદાવાદમાં ન્યુ યર સેલિબ્રેશનમાં નશો કરીને છાકટા બનેલા યુવકોને પોલીસે પકડીને લોકઅપની હવા ખવડાવી હતી. શહેરમાં દારૂના દુષણને નિયંત્રણમાં રાખવા તથા શાંતિ અને સલામતીનો માહોલ જાળવી રાખવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. રાતભર આખા શહેરમાં પોલીસે કરેલા પેટ્રોલીંગ દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી કુલ 116 શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં સેકટર 1 માંથી 71 અને સેકટર 2 માંથી 45 થઈને કુલ 116 શખ્સોને નશો કરેલી હાલતમાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતાં. વસ્ત્રાપુર પોલીસે 10, સોલા, ઘાટલોડિયા પોલીસે 2, નારણપુરામાં 6, નવરંગપુરા અને સાબરમતીમાંથી 15 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. આ સિવાય સેટેલાઈટ, ગુજરાત યુનિવર્સિટીમાંથી 4 લોકો, એલિસબ્રિજમાંથી 11 અને રાણીપમાંથી 10 લોકો ઝડપાયા હતા. બીજીતરફ શાહીબાગ, કૃષ્ણનગર, ગોમતીપુર, ઓઢવ, રખિયાલ, અમરાઈવાડી, નિકોલ પોલીસે પણ નશાની હાલતમાં યુવાનોને ઝડપ્યા હતા. 31 ની રાત્રીએ આ વર્ષે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં પોલીસે બ્રેથ એનેલાઇઝરથી સઘન તપાસ કરી હતી. જે પણ યુવકો નશાની હાલતમાં પકડાયા હતા તે તમામ યુવકોને પકડીને પોલીસ સ્ટેશનની હવા ખવડાવી હતી. આવા શખ્સો પોતાની ઓળખ છત્તી ન થઇ જાય તે માટે મોઢા સંતાડીને ફરતા પણ જોવા મળ્યા હતાં.