સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2018 (16:44 IST)

સરકારને દોડતી રાખવા કોંગ્રેસનો નવતર અભિગમ, સરકારી વિભાગો પર નજર રાખશે કોંગી ધારાસભ્યો

ગુજરાતમાં ભાજપની નવરચીત સરકાર અનેતેની કામગીરી પર વોચ રાખવા માટે કોંગ્રેસ પડછાયો બની રહેશે અને સરકારની તમામ યોજનાઓની કામગીરી પર વોચ રાખીને ગરબડ-ગોટાળા પકડશે અને કાન આમળશે.કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ગત ટર્મ દરમ્યાન સરકારી યોજનાઓ અને તેના અમલીકરણ માટે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી માહિતી મંગાવતો હતો. પરંતુ પ્રજાલક્ષી યોજનાઓ વિશે કોઈ વિભાગ માહિતી આપી શકતા ન હતા.સરકારી વિભાગો- બોર્ડ નિગમોમાંથી ઉપલબ્ધ માહિતીના આધારે 5000થી વધુ સવાલ ઉઠાવ્યા હતા અને વિસ્તૃત રીપોર્ટ તૈયાર કર્યો હતો ત્યારે એવુ માલુમ પડયુ હતું કે ખુદ સરકાર પણ તેની યોજનાઓથી અજાણ હતી ત્યારે તેનો અમલ અસરકારક રીતે કેમ થઈ શકે?તેઓએ ઉમેર્યુ કે સરકારી યોજનાઓનો અમલ યોગ્ય રીતે થાય છે કે કેમ તેના પર કોંગ્રેસ નજર રાખશે. તમામ 26 સરકારી વિભાગો અને 127 બોર્ડ- કોર્પોરેશન પર નજર રહેશે.તેઓએ આક્ષેપ કર્યો કે સરકાર અનેકવિધ યોજનાઓ જાહેર કરી દેતીહોય છે. પરંતુ તે માટે બજેટ ફાળવણી કે અમલના ઠેકાણા હોતા નથી. કોંગ્રેસ પોતાના 77 ધારાસભ્યો તથા પાર્ટીના નિષ્ણાંતો મારફત સરકારી કામગીરી પર દેખરેખનું કામ કરશે. ધારાસભ્યોની ટીમ બનાવીને અલગ-અલગ વિભાગો પર વોચ રાખવાની કામગીરી સોંપાશે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ એમ કહ્યું કે સરકારના દાવાઓની પોલ ખોલવા અને વાસ્તવમાં સરકારી યોજનાઓના લાભ લોકોને મળે તે માટે કોંગ્રેસનો ઉદેશ છે. કાયદો-વ્યવસ્થા, કૃષિ, શિક્ષણ, સામાજીક ન્યાય જેવા ક્ષેત્રોમાં ભાજપની નિષ્ફળતા પણ ખુલ્લી પાડવામાં આવશે.23મીએ ધારાસભ્યોની શપથવિધિ યોજાવાની છે તે પુર્વે 22મીએ ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ રાખવામાં આવી છે. જેમાં ‘શેડો કેબીનેટ’ વિશે પણ ચર્ચા કરવામા આવે તેવી શકયતા છે.