શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (14:53 IST)

અમદાવાદના દારૂના અડ્ડા ઉપર દરોડા:૪૦થી વધારે બુટલેગરોને ઝડપી લેવાયા

અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગેશ મેવાણીએ તાજેતરમાં દારૂના અડ્ડા બાબતે વિવિધ પોલીસ મથકોનો ઘેરાવો કર્યા બાદ દારૂના અડ્ડા બંધ કરાવાની માગણી સાથે અલ્ટિમેટમ આપ્યું હતું. દરમિયાન સફાળા જાગેલા પોલીસ તંત્રએ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડીને ૩૦થી વધારે બુટલેગરોને ઝડપી લીધા હતા. પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જિગેશ મેવાણીએ ગયા વર્ષના અંતમાં ગોમતીપુર અને ત્યાર બાદ વાડજ, મેઘાણીનગરમાં દારૂઓના અડ્ડા બંધ કરાવવા પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું. તેમ જ પોલીસ કમિશનર સમક્ષ પણ રજૂઆત કરી હતી. ત્યાર બાદ સફાળી જાગેલી પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા, પરંતુ શહેરમાં દારૂના અડ્ડાઓ બંધ થવાનું નામ નથી લેતા. દરમિયાન રવિવારે પોલીસે ૫૦ ટીમ બનાવીને સરદારનગરમાં આવેલા છારાનગર અને કુબેરનગરમાં દરોડા પાડ્યા હતા અને ૪૦ જેટલા બુટલેગરોની પોલીસે અટકાયત કરી હતી. છારાનગર અને કુબેરનગરમાં કરવામાં આવેલા દરોડામાં ૧૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાંથી ૮૦૦ લિટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ૩૦૦ લિટર દારૂને કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડતા બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી. તેમ જ પોલીસની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડા બંધ કરાવા આંદોલન શરૂ કર્યું હતું. તેમ જ ઉત્તર ગુજરાતમાં અનેક દારૂના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા. દરમિયાન પોલીસે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો હતો, પરંતુ અમદાવાદમાં દારૂના અડ્ડા ધમધમતા હોવાની માહિતીના આધારે દલિત નેતા જીગેશ મેવાણીએ દારૂના અડ્ડા બંધ કરાવાની માગણી સાથે રજૂઆત કરી હતી.