શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (14:57 IST)

જાતિવાદનું વરવું સ્વરુપ દલિતની સ્મશાનયાત્રા માટે લેવું પડ્યું પોલીસ પ્રોટેક્શન!

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિંગળી ગામે જાતિવાદનું વરવું સ્વરુપ જોવા મળ્યું છે. જેમાં એક દલિત મહિલાના અંતિમ સંસ્કાર માટે સ્માશનયાત્રા કાઢવા પણ પોલીસ પ્રોટેક્શન લેવાની ફરજ પડી હતી. આરોપ છે કે ગામના કેટલાક રાજપૂતો આ સ્માશાન યાત્રા ગામમાંથી પસાર થાય તેનો વિરોધ કરતા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે  મૃતક પુષ્પા સોલંકીનો પુત્ર ગામમાં થતા જાતિવાદ વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતો હોય તેને અને કેટલાક જાતિવાદી રાજપૂતો વચ્ચે ટસલ પડી હતી.

જેને લઇને ગામના સરપંચ કિરણસિંહ સોમસિંહ સોલંકી સહિત 12 જેટલા રાજપૂત સમાજના લોકો સામે FIR નોંધવામાં આવી છે. ફરિયાદી દિનેશ સોલંકી દ્વારા કરવામાં આવેલ આરોપ આધારે IPCની એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શનિવારે સવારે જ્યારે પુષ્પાબેન સોલંકીની અંતિમ યાત્રા શરુ થઈ ત્યારે આરોપીઓએ તેનો રસ્તો રોક્યો હતો. દિનેશ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું કે, ‘સ્મશાન તરફ જતો રસ્તો ગામમાં તેમની સંપત્તિઓ પાસેથી પસાર થાય છે જેના કારણે અંતિમ યાત્રા શરુ થતા જ આ જાતિવાદી તત્વોએ અમારો રસ્તો રોક્યો હતો અને જાતિવાદી ખરાબ શબ્દો બોલીને ગામમાંથી પસાર ન થવા માટે ચેતવણી આપી હતી. તેણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે અમે આ જાતના ભેદભાવનો વિરોધ કર્યો ત્યારે રાજપુતોએ અમને માર માર્યો હતો. જેથી સ્થિતિની ગંભીરતાને જોતા અમને પોલીસ પ્રોટેક્શનમાં અંતિમ સંસ્કારની વિધિ કરવાની ફરજ પડી હતી.