શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:51 IST)

ફી નિયમન કાયદાના અમલના માર્ગદર્શન માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં

ફી નિયમન એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે ૧ ફેબ્રુઆરીએ આપેલા આદેશ પછી તેનો કેવી રીતે અમલ કરવો તે અંગે અનેક વિસંગતતા ઉભી થવા પામી છે. રાજય સરકારે ફી નિયમન એક્ટનો અમલ વર્ષ ૨૦૧૭-૧૮થી જ થાય તે સહિતના વિવિધ મુદ્દાઓ માટે સુપ્રીમ કોર્ટમાં વચગાળાના આદેશ સંદર્ભે માર્ગદર્શન અને સ્પષ્ટતાઓ માટે બુધવારે અરજી દાખલ કરી છે. રાજયની સેલ્ફ ફાયનાન્સ શાળાઓ માટે સરકારે લાગુ પાડેલા ફી નિયમન એક્ટ સામે શાળા સંચાલકો સુપ્રીમ કોર્ટમાં જતા કાયદો માન્ય રહ્યો પરંતુ કમિટીના સ્વરૂપમાં અનેક ફેરફાર કરવા પડે તેવો આદેશ કરાયો છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, રાજય સરકારના ફી નિયમન અંગેના કાયદાના અમલ મુદ્દે જે જૂના કેસ નક્કી થઇ ગયા છે તેનો અમલ કરી શકાય તે માટે રાજય સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં સ્પષ્ટતા માગી છે.  રાજય સરકારની અરજીમાં ભારપૂર્વક જણાવાયું છે કે, રાજય સરકાર ફી નિયમન કાયદાનો અમલ વર્ષ ૨૦૧૭-૧૮થી જ થાય તે માટે આગ્રહી છે તેથી તે માટે દાદ માગવામાં આવી છે. તે ઉપરાંત જે કેસ અંગે જે તે સમયે ફી નિર્ધારણ કમિટી દ્વારા ફી નિર્ધારણ અંગેના આદેશો થઇ ગયા છે તેનો અમલ કરવા માટે પણ સુપ્રીમ કોર્ટમાં માર્ગદર્શન મેળવ્યું છે.  સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે, આ આદેશ સંદર્ભે વધુ સ્પષ્ટતાઓ કે માર્ગદર્શન મેળવવા માટે અરજદાર કે પક્ષકારે માત્ર સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવાની રહેશે. આ સંદર્ભમાં સરકાર અરજી કરીને તે મેળવી રહી છે.  ફી સમિતિઓ દ્વારા જે શાળાઓ દ્વારા દરખાસ્ત કરાઇ હોય અને તેની ફી સમિતિ દ્વારા મંજૂર કરી દેવાઇ હોય તેનો અમલ પણ કરી દેવો કે સ્થગિત કરવા અંગે કોર્ટમાં માર્ગદર્શન મેળવવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચૂકાદામાં અનેક મુદ્દા સામેલ કરાયા હતા. તેમાં ફી રિવિઝન સમિતિઓ માટે હાઇકોર્ટના નિવૃત જજની નિમણૂક કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. જે હવે પૂર્ણ થઇ રહ્યો છે.