રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (10:16 IST)

હવે શાળાઓ ફિમાં તોતિંગ વધારો નહીં કરી શકે, ગુજરાતમાં ખાનગી શાળા ફી નિયમન બિલને મંજૂરી

રાજ્યની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ હવે પોતાની મરજી પ્રમાણે ફી વસૂલી શકશે નહીં. આજે ખાનગી શાળા ફી નિયમન બિલને રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મંજૂરીની મ્હોર મારી દીધી છે. આ અંગેનું બિલ 31મી માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું હતું. નોંધનીય છે કે ખાનગી શાળાઓ દ્વારા તોતિંગ ફી વસૂલાતા વાલીઓએ પણ શાળા સંચાલકો સામે મોરચો માંડ્યો છે અને દરરોજ જુદી-જુદી શાળાઓની સામે ગાંધીગીરી કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હોવાનું જણાવ્યું છે.

ફી નિયમન વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી હોવાથી હવે ફી નિયમન કાયદો લાગૂ થઇ શકશે અને શાળા સંચાલકોએ ફી સમિતિ દ્વારા નક્કી કરેલ ફી જ વસૂલવી પડશે. રાજ્ય સરકારે રજૂ કરેલા ફી નિયમન બિલ મુજબ પ્રાથમિક શાળામાં વધુમાં વધુ રૂ.15,000, માધ્યમિકમાં રૂ.25,000 તેમજ ઉચ્ચત્તર માધ્યમિકમાં રૂ.27,000થી વધુ ફી વસલી શકશે નહીં. હવે જો શાળા સંચાલકોની વધુ ફી વસૂલવી પડશે તો કારણ દર્શાવી મંજૂરી લેવી પડશે. ઉલ્લેખનીય છે કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા કમરતોડ ફી વસૂલાઈ રહી છે. આ કાયદાનો અમલ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ લાગૂ કરાશે. રાજ્યપાલે બિલ મંજૂર કરતાં જ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ફી વધારવા માંગતી શાળાએ જસ્ટિફિકેશન કરવું પડશે. નિર્ધારિત કમિટી સમક્ષ કેટલી સુવિધાઓ છે તે શાળાએ રજૂ કરવું પડશે. નિર્ધારિત કમિટી તપાસ કરશે અને નક્કી કરશે ફીનું ધોરણ.

આ બિલ મધ્યમ વર્ગ માટે ખૂબ જ લાભદાયી છે. બિલની મંજૂરી મુદ્દે દલીલો કરનારા હવે બંધ થાય. ગુજરાતના ફી નિર્ધારણ બિલની કોપી કેન્દ્રિય શિક્ષણમંત્રીએ માંગી છે. બિલનો અભ્યાસ કરીને અન્ય રાજ્યમાં પણ આ બિલ લાગુ કરવા પર વિચારણા થઇ શકે છે. અન્ય રાજ્યોના મધ્યમ વર્ગના લોકો પણ આ બિલની માંગ કરે તેવી શક્યતાઓ વ્યકત કરાઇ છે.