સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (12:00 IST)

રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપ હાઇકમાન્ડને મૂંઝવણ, બે મંત્રીઓમાંથી કોનું પત્તુ કાપવું

ભાજપના રાજ્યસભાના ચાર સાંસદોની આગામી મહિને ટર્મ પૂર્ણ થઇ રહી છે.અત્યારથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોના ચોખટાં ગોઠવાઇ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ થતાં કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો થયો છે જેથી ભાજપને બે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે જેના પગલે હવે ગુજરાતના બે પાટીદાર મંત્રીઓમાંથી કોને સાચવવા અને કોને પડતાં મૂકવા તે ભાજપ હાઇકમાન્ડ માટે મૂંઝવણભર્યો પ્રશ્ન બન્યો છે. સૂત્રોના મતે,રાજ્યસભાના સભ્ય શંકર વેગડની વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
નાણાંમંત્રી અરૃણ જેટલીને અન્ય રાજ્યમાંથી તક મળી શકે છે. આ ઉપરાંત પુરૃષોત્તમ રૃપાલા સિનિયર હોવાથી ભાજપ પડતાં મૂકી શકે તેમ નથી.મોહન કુંડારિયાનુ રાજીનામુ લઇને મનસુખ માંડવિયાને મંત્રી બનાવાયા છે. માંડવિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે એટલે તેમને ય ભાજપ પડતા મૂકવા માંગતી નથી. ભાજપ તો પાટીદાર મતબેન્કને સાચવવા બંન્ને પાટીદાર મંત્રીઓને યથાવત રાખવા માગ છે પણ અન્ય દાવેદારો રાજ્યસભાની ટિકિટ મેળવવા વાટ જોઇને બેઠાં છે. વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપ હાઇકમાન્ડે ઘણાંને કોણીએ ગોળ ચોંટાડીને મતો મેળવી લીધાં છે.હવે રાજ્યસભાની ચૂંટણીમાં જો હાઇકમાન્ડ પાટીદાર મંત્રીઓને સાચવી લેશે તો,અન્ય સમાજ,દાવેદારો રિસાઇ જશે જે લોકસભાની ચૂંટણી વખતે ભાજપને નડી શકે છે. આમ, ભાજપ હાઇકમાન્ડ મૂંઝવણમાં છે કે,પાટીદાર મંત્રીઓ પૈકી કોને સાચવવા,ને,કોને પડતાં મૂકવા,અથવા અન્ય કોને તક આપવી.દરમિયાન, મનસુખ માંડવિયાને ફરી સંગઠનમાં કામ સોંપાય તેવી પણ ચર્ચા છે. અત્યારે સ્થિતી એવી છેકે,કોળીઓ ભાજપથી ભારોભાર નારાજ છે.નિતિન પટેલની જીદ સામે ઝૂકીને નાણાંમંત્રી બનાવાયા છે. હવે ફરી બંન્ને પાટીદાર મંત્રીઓને યથાવત રાખવામાં આવે તો,ભાજપ પાટીદારોને સાચવે છે તેવો સંદેશો અન્ય સમાજમાં જાય જે લોકસભાની ચૂંટણીમાં જોખમી સાબિત થઇ શકે છે.કોળી મતદારોની નારાજગીનો પણ ભાજપ ભોગ બની શકે છે.ભાજપ હાઇકમાન્ડ માટે ગુજરાતની રાજકીય સ્થિતી મૂંઝવણભરી બની રહી છે.