બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (17:01 IST)

૭મુ પગાર પંચનો અમલ કરનાર ગુજરાત અગ્રેસર

વર્તમાન સરકારે રાજ્યના ૬ લાખથી વધુ કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો લીધા છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની સાથે સાથે સમગ્ર દેશમાં ૭મા પગાર પંચનો લાભ આપનાર ગુજરાત અગ્રેસર રાજ્ય છે. ૭મા પગાર પંચ મુજબ રાજ્યના કર્મીઓને ઘરભાડા ભથ્થા/પગાર તફાવતની ચૂકવણી કરવા માટે મંત્રીઓની પેટા સમિતિ અને મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને કમિટિ બનાવવામાં આવી છે, જે કમિટિ આ ભથ્થાઓ અંગે ભવિષ્યમાં યોગ્ય નિર્ણય કરશે, તેમ આજે વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં ૭મા પગાર પંચ પ્રમાણે કર્મીઓને ઘરભાડા ભથ્થા આપવા અંગેના ધારાસભ્યના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાણા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું. 

રાજ્યના કર્મીઓને હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ ઘરભાડા ભથ્થા આપવામાં આવે છે. ઘર ભાડા ભથ્થા માટે ૫૦ લાખથી વધુ વસતી ધરાવતા મેટ્રોસિટી, ૫ થી ૧૦ લાખની વસતી તેમજ ૫ લાખથી ઓછી વસતી ધરાવતા શહેરો એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ મુજબ ૩૦ ટકાના દરે ઘરભાડા ભથ્થા અપાતા હતા તે હવે ૭મા પગાર પંચમાં ઘટાડીને ૨૪ ટકા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ આગામી ભવિષ્યમાં ૭મા પગાર પંચ મુજબ કર્મીઓને ઘરભાડા ભથ્થા અંગે સમિતિના અહેવાલ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેમ વધુ માહિતી આપતા   નીતિનભાઇ પટેલે ગૃહમાં વધુમાં ઉમેર્યું હતું