શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 31 માર્ચ 2018 (14:27 IST)

સતત આઠ વર્ષથી પાલન નહીં થતાં ફી નિર્ધારણ બાબતે વાલીઓ હવે ‘ધારાસભ્યો’ને પાઠ ભણાવશે

શિક્ષણના અધિકાર કાયદાનો અમલ નહીં કરવા તથા ફી નિર્ધારણ કાયદામાં મુર્ખ બનાવવા જેવા ઘટનાક્રમના વિરોધમાં વાલીઓએ રાજયના તમામ 182 ધારાસભ્યોને પત્ર પાઠવીને નવતર વિરોધ કરવાનું નકકી કર્યું છે. શિક્ષણ અધિકાર કાયદાને આવતીકાલે 1લી એપ્રિલે 8મું વર્ષ બેસી રહ્યું છે તેને ધ્યાને રાખીને કાલે જ તમામ 182 ધારાસભ્યોને પત્ર પાઠવીને વાલીઓનો ઉપયોગ માત્ર વોટબેંક તરીકે નહીં કરવા અને મૂર્ખ બનાવવાનું બંધ કરવાનો સંદેશ પાઠવવામાં આવશે.

અમદાવાદના લો ગાર્ડન ખાતે આવતીકાલે રાજયભરના વાલીઓ એકત્રીત થશે અને વાલી સ્વરાજ મંચના બેનર હેઠળ તમામ 182 ધારાસભ્યોને પત્ર પાઠવવામાં આવશે. સોમવારે ગાંધીનગર ખાતે ધારાસભ્યોના નિવાસે આ પત્રો હાથોહાથ સુપરત કરવામાં આવશે. વાલી સ્વરાજ મંચના સુખદેવભાઈ પટેલે કહ્યું કે રાજયની શાળાના વિદ્યાર્થીઓ-વાલીઓ પર આર્થિક બોજ માટે તમામ ધારાસભ્યો જવાબદાર હોવાનું દર્શાવવા માટે તમામ ધારાસભ્યો પર દબાણ સર્જવાના ઈરાદે આ વ્યુહ અપનાવવામાં આવ્યો છે.વાલીઓ દ્વારા ફી નિર્ધારણનો અસરકારક અમલ કરાવવા તથા શિક્ષણ અધિકાર કાયદાને યોગ્ય રીતે લાગુ પાડવા માટે અનેક રજુઆતો કરી છે. પરંતુ રાજયના શિક્ષણપ્રધાન દ્વારા કોઈ પગલા લેવામાં આવી નથી. રાજય સરકાર પર ભરોસો ઉઠી ગયો છે એટલે તમામ ચુંટાયેલા ધારાસભ્યોને જવાબદારી સમજીને કથળતી શિક્ષણ વ્યવસ્થાને યોગ્ય બનાવવા માટે આગળ આવવાની માંગ કરવામાં આવશે.ખાનગી શાળાએ આડેધડ ફી વસુલે છે. રાજય સરકારે ફી નિયમન લાગુ પાડવાની જાહેરાત કરવા છતાં અસરકારક અમલ કરાવતી નથી.શાળાઓને છાવરી જ રહી છે. આ સિવાય શિક્ષણ અધિકારી કાયદાનો પણ અમલ કરાવાતો નથી.શિક્ષણ અધિકાર કાયદાને આઠ વર્ષ થવા છતાં અમલની દિશામાં રાજય સરકાર ગંભીર પ્રયાસો કરતી નથી. ખાનગી શાળાઓ વાલીઓ, વિદ્યાર્થીનુ શોષણ જ કરી રહી છે. ફી નિર્ધારણ મામલે શાળાઓ દ્વારા વિદ્યાર્થી-વાલીઓને પરેશાન કરવામાં આવી રહ્યાના દાવા સાથે વાલીઓએ ટોચની 22 શાળાઓના હિસાબોની માહિતી માંગતી માહિતી અધિકાર કાયદા હેઠળ અરજી કરી હતી.