ફિક્કી FLO દ્વારા હેરિટેજ ટુરિઝમ સામેના પડકારો અંગેનો સેમિનાર યોજાયો
ગુજરાત રાજ્ય ઐતિહાસિક વારસો અને સંસાધનોથી સમૃદ્ધ છે. ગુજરાત પાસે ટુરિઝમ ક્ષેત્રનો મોટો ગૌરવપૂર્ણ વારસો છે. જેમાં કિલ્લાઓ, મહેલો, સ્મારકો, વાવ અને આ ઉપરાંત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે. રાજ્યની ત્રણ સાઇટ્સ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ પર છે - પાવાગઢ - ચાંપાનેર પુરાતત્વીય ઝોન, પાટણમાં રાણી કી-વાવ અને પૌરાણિક દિવાલો ધરાવતું ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી- અમદાવાદ. ત્યારે ગુજરાતમાં હેરિટેજ પ્રવાસનને વધુ મહત્વ અને વેગ આપવા - "ફિકી" ના લેડીઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત સ્થાપત્ય, હેરિટેજ હોટેલ્સ માટે માનવ સંસાધન વિકાસ અને ક્ષમતા નિર્માણ, સરકારની ભૂમિકા, હેરિટેજ પ્રવાસનનું પ્રમોશન, સંગ્રહાલયોનું મહત્વ અને હેરિટેજ સાહસિકોને ઉભી થતી મુશ્કેલીઓ તથા પડકારોની આ સેમિનાર અંતર્ગત ચર્ચા કરવમાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા FLOના ચેરપર્સન પાવની બકેરી અગ્રવાલે કહ્યું હતું કે, FLO મહિલા સશક્તિકરણ, રોજગાર અને એન્ટરપ્રાઈઝને સમર્પિત છે. અમે ગુજરાતમાં હેરિટેજ ટૂરિઝમ પર સેમિનાર રાખવાનું નક્કી કર્યું છે કારણ કે આ સેક્ટરની આર્થિક અને સામાજિક પાસ પર સકારત્મક અસર છે. હેરિટેજ ટૂરિઝમ ઘણા લોકોને સ્વ રોજગારીની તકોને પ્રદાન કરે છે. હોટેલ્સ, હોમ સ્ટે , રેસ્ટોરાં, કાર રેન્ટલ કંપનીઓ, પ્રવાસ કંપનીઓ, ગાઈડ, દુભાષિયાઓ, કસબીઓ, સંગીતકારો, નર્તકો અને અન્ય રજૂઆત કરનારાઓ, પ્રવાસીઓના વધતા પ્રવાહથી લાભ મેળવી શકે છે. પરિસંવાદનું વિશેષ ધ્યાન હેરિટેજ હોટલ, હેરિટેજ હોમસ્ટેઇસ અને ખાનગી મ્યુઝિયમો જેવા વારસાઈ સાહસો પર હતું.
આ પ્રસંગે નિષ્ણાતોએ હેરિટેજ ટુરિઝમ માટે સ્થાનિક પ્રતિભાને પ્રાધાન્ય આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ભાવનગરના ભૂતપૂર્વ મહારાણી સંયુક્તા કુમારી,કે જેઓ સફળતા પૂર્વક નિલમબાગ પૅલેસ હોટેલ ચલાવે છે તેમણે જણાવ્યું હતું કે, વારસાગત હેરિટેજની જાળવણીની સફળતા કોઈ વ્યવસાયિક મેનેજમેન્ટ મંત્રોમાં નથી, તે વ્યવહારિક બાબત છે. જે પારિવારિક સભ્યોની જુનવાણી સુજ-બુઝ પર આધાર રાખે છે, જે લોકો તેમના વારસાને કે વારસાઈ ઘરને પ્રેમ કરે છે અને તેમની વારસાઈ પ્રોપર્ટીને વ્યર્થ થતી સહન કરી શકતા નથી. . આ એક વિશાળ ઘર ચલાવવા જેવું છે, તમારે તમારા મહેમાનોને એક જ લાગણી સાથે બાંધવાના છે કે તેઓ ફરી-ફરીને પાછા આવે.